નવતાડ ખાતે કાર્યરત વન વિભાગની ઔષધિય રોપા ઉછેર નર્સરી ખાતેથી વિનામૂલ્યે રોપા મળશે
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : તા: ૧૨: ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી., વાંસદા ડિવિઝન દ્વારા નવતાડ ખાતે મેડિસનલ પ્લાન્ટ બોર્ડ પુરસ્કૃત ઔષધિય રોપાઓની નર્સરી કાર્યરત કરવામાં આવી છે.
જેમાં અર્જુન સાદળ, હરડે, ગળો, શતાવરી, લીંડીપીપર, કડાયો, ચણોઠી, અને કાચકા ના એક લાખ રોપાઓ તૈયાર કરવામા આવ્યા છે.
ઠેર ઠેર આયુર્વેદિક વનૌષધિઓનું વાવેતર વધે, અને વનૌષધિઓનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી પ્રજાજનો તેમની રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા બહુજન હિતાય, બહુજન સુખાયની ભાવના સાથેના આ કાર્યમાં રસ ધરાવતા લોકોને અહીંથી વિનામૂલ્યે ઔષધિય રોપાઓનું વિતરણ કરાશે.
જેમની પાસે વાવેતર માટેની જમીન ઉપલબ્ધ છે તેવી વ્યક્તિઓ, સંસ્થાઓ, શાળાઓ, ગ્રામીણ ચિકિત્સા પદ્ધતિ સાથે સંકળાયેલા વૈદ્યરાજ, પરંપરાગત ચિકિત્સા સાથે સંકળાયેલા લોકો આવા રોપા મેળવવા માટે વનીલ ઉદ્યોગ, નવતાડ ખાતેના કર્મચારી શ્રી અમિત ગામિતનો મોબાઈલ નંબર ૯૭૩૭૦ ૭૨૬૧૦ ઉપર સંપર્ક કરી શકે છે.
વધુમાં જે સંસ્થાઓ પાસે સરકારી જમીન ઉપલબ્ધ હોય તેમને મેડિસનલ પ્લાન્ટ બોર્ડ દ્વારા વનૌષધિઓનું વિનામૂલ્યે વાવેતર પણ કરી આપવામાં આવે છે. જેના માટે શ્રી મણીભાઈ પટેલ, મોબાઈલ નંબર : ૯૫૫૮૭ ૫૦૬૮૬ નો સંપર્ક સાધવા માટે, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ, વાંસદાના ડિવિઝનલ મેનેજર શ્રી ડી.એન.રબારી દ્વારા જણાવાયું છે.
–