તાપી જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રી પોતે રક્ષક થઈને ભક્ષક બન્યા !!
રેતીની લીઝ વિરુદ્ધ ફરિયાદ આપનારને જાહેરમાં મારવાની ધમકી આપી
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લો એટલે રેતી માફિયાનો જિલ્લો, અહીંથી કરોડો રૂપિયાની રેતી ચોરી થાય છે પણ કાર્યવાહી નથી થતી, અહીંના લીઝ ધારકો ઉપરાંત ગેરકાયદેસર રેતી ઉલેચનારાઓ માથાભારે અને રાજકીય પહોંચ ધરાવતા લોકો છે, પરંતુ એમના પર નજર રાખવાની જેની જવાબદારી છે તે ભૂસ્તર અધિકારી ગેરકાયદે રેતી ખનન ચાલતુ હોવાની ફરિયાદ આપનારને બોલાવીને મારવાની ધમકી આપવાની ફરિયાદ આજરોજ જિલ્લા એસપી અને જિલ્લા કલેકટરને આપવી પડી છે.
તાપી જિલ્લામાં રેતી માફિયાઓ પહેલે બેફામ હતા, બંદૂક લઇને મારવા દોડવું, ફરિયાદ કરનારને ધમકી આપવી, ગામ લોકોને પરેશાન કરવા એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતાં રહે છે, પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે ગેરકાયદે ચાલતી રેતીની પ્રવૃત્તિ વિરુદ્ધ કલેકટરને ફરિયાદ કરનાર જયેશભાઈ પાટીલને ગત રોજ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ડી.કે. પટેલએ વાંકા નજીક એસ્સાર પેટ્રોલ પંપ પાસે બોલાવી બધા રેતી લીઝ ધારકોની વચ્ચે ઉભો રાખી દીધો અને ફરિયાદી જયેશ પાટીલને અપશબ્દો બોલી અપમાનીત કર્યો અને જાહેરમાં મારવાની ધમકી પણ આપી. જેના પુરાવા રેકોર્ડિંગ ફરિયાદી પાસે છે, આ બનાવના વિરોધમાં પહેલા નિઝર પોલીસ સ્ટેશને અને આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક તાપી તથા જિલ્લા કલેક્ટર તાપીને ફરિયાદ કરવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે આ કિસ્સામાં જ્યાં રક્ષક જ ભક્ષક બન્યો છે ત્યાં જિલ્લામાંથી કોઈ કાર્યવાહી થાય છે કે પછી ફરિયાદીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા પડશે તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું ?
અત્રે નોંધવું રહ્યું કે વાંકામાં ચાલતી ગેરકાયદે લીઝ વિરુદ્ધ જયેશ પાટીલએ કલેકટરને ફરિયાદ કરી હતી, જેની અદાવત રાખી એમને ખોટા કેસમાં ફસાવાની અને મારવાની ધમકી અધિકારીએ આપી છે. જ્યાં ઘટના થઇ એના CCTV ફૂટેજ ચેક કરાય તો ઘટના વિશે પુરાવા મળી શકે છે. હવે જોવાનું રહ્યું કે ગાંધીના ગુજરાતમાં કાયદા સૌ માટે સમાન છે કે અલગ અલગ ?