ખેલ મહાકુંભ થકી ગુજરાત તથા તાપી જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા : રાજ્યકક્ષાના રમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

રમતગમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાઈ
—
જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ ખાતે વિવિધ રમતો નિહાળી ખેલાડીઓનો ઉત્સાહ વધારતા મંત્રી ડો. જયરામભાઈ ગામીત
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૯. :- ભારતીય હોકીના જાદુગર અને મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે રાજ્યકક્ષાના રમત મંત્રી ડૉ. જયરામભાઈ સી. ગામીતની ઉપસ્થિતિમાં શનિવારે જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વ્યારા ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને ઉત્સાહિત કરવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ આધુનિક રમતગમત સંકુલો અને સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તાપી જિલ્લામાં કરોડોના ખર્ચે બનેલ સ્પોર્ટ્સ હોસ્ટેલ અને કરોડોના ખર્ચે તાલુકા રમતગમત સંકુલની સુવિધાઓ ખેલાડીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો પહેલા રાજ્યમાં ‘ખેલ મહાકુંભ’ નું બીજ રોપ્યું હતું. તે આજે વટવૃક્ષ બન્યું છે. જેના થકી આજે રાજ્ય તથા તાપી જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યા છે.
વધુમાં તેમણે યુવાપેઢીને રોજ એક કલાક મેદાનમાં વિતાવવા અને મોબાઈલના ઉપયોગ સાથે પોતાના શારીરિક સ્વાસ્થ્ય તથા આત્મવિશ્વાસ માટે રમતોમાં સક્રિયપણે ભાગ લેવા હાકલ કરી હતી.
આ ઉપરાંત, તેમણે લુપ્ત થઈ રહેલી આપણી પારંપરિક રમતોને પુનઃજીવિત કરવા અને સરકારની યોજનાઓનો લાભ છેવાડાના રમતવીરો સુધી પહોંચાડવા પર ભાર મુક્યો હતો. આગામી સમયમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ જેવી મોટી ઈવેન્ટ્સ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે ત્યારે તાપી જિલ્લાના ખેલાડીઓ પણ વૈશ્વિક સ્તરે દેશ અને રાજ્યનું નામ રોશન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી સૌ રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે, મહાનુભાવોએ વિવિધ યોજાયેલી રમતોને ઉત્સાહભેર નિહાળીને રમતવીરોમાં જુસ્સાવર્ધન કર્યું હતું. ઉપરાંત પોતે પણ રમતમાં સહભાગી થઈને અન્યને પણ રમત પ્રત્યે પ્રેરિત કર્યા હતા. ઉપરાંત, ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને પ્રોત્સાહિત પણ કરાયા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંચળબેન ચૌધરી, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, પદ્મશ્રી રમીલાબેન ગામીત સહિત ઉપસ્થિત આમંત્રિતો, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ, કોચશ્રી, રમતવીરો, રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન અંગે મંત્રીશ્રીનો અનુરોધ
‘ખેલ મહાકુંભ’ માટેનું રજિસ્ટ્રેશન હાલ શરૂ થતા મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે તાપી જિલ્લાના તમામ રમતવીરોને ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરતા કહ્યું કે, દરેક રમતવીર પોતાનું રજિસ્ટ્રેશન કરાવે અને પોતાની ખેલપ્રતિભાને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરીને તાપી જિલ્લા સહિત રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે..
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
