ચેરમેન રાજુ પાઠક અને માનસિંગ પટેલ વચ્ચેનો સુમુલનો ગજગ્રાહ યથાવત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મહુવા સુગરનાં માજીચેરમેન અને વર્તમાન ડિરેક્ટર માનસિંહ પટેલ દ્વારા સુમુલડેરીનાં વહીવટ ઉપર અનેક પ્રશ્નો ઉઠાવી છેક વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી લેખિતમાં ફરિયાદ કરી છે અને આ પ્રશ્ને સુમુલના ચેરમેન રાજુભાઇ પાઠક અને માનસિંહ પટેલ વચ્ચે ગજગ્રાહ યથાવત છે, ત્યારે મહુવા સુગરનાં ગેરવહીવટ તથા ભંગાર બારોબાર વેચી નાખવાનો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે, જે પ્રશ્ને ગુજરાત હાઈકોર્ટે રાજયનાં ખાંડ નિયામકને ચાર સપ્તાહમાં જવાબ રજૂ કરવા નોટીસ પાઠવી છે, હાઇકોર્ટેમાં આ પીટીશન ગુણવંત વહીયાએ દાખલ કરી છે, અને પીટીશન માં વર્તમાન ડિરેક્ટર માનસિંહ પટેલ સામે આક્ષેપો કરવામાં આવતાં અચાનક જ માનસિંહ પટેલે રાજીનામુ આપી દેતાં સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, જ્યારે માનસિંહ પટેલનું કહેવું છે કે મારી છબી ખરાબ કરવા આ પીટીશન દાખલ કરવામાં આવી છે, મે નૈતિકતાનાં ધોરણે રાજીનામુ આપ્યું છે જેથી તટસ્થ તપાસ થઈ શકે, મહુવા સુગરનાં એમ.ડી. કે.એન. કાપસે એ જણાવ્યું છે કે ડીરેક્ટર માનસિંહ પટેલે મહુવા સુગરનાં ડિરેક્ટરપદે થી રાજીનામુ આપતો પત્ર મળ્યો છે અને આ અંગે ચેરનેનને જાણ કરી છે, આ રાજીનામાં ને લઈ ફરી એકવાર સહકારી રાજકારણ ગરમાયું છે.