સમગ્ર તાપી જીલ્લામાં એજીઆર-૨ યોજના હેઠળ ઉંદર નિયંત્રણ તથા લેપ્ટોસ્પાયરોસીસ અટકાયત કામગીરી ખેતીવાડી તથા આરોગ્ય વિભાગના સંકલન દ્વારા પૂર્ણ કરવામાં આવી
(માહિતિ વિભાગ- તાપી) : વ્યારા; મંગળવાર: વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન તાપી જીલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેતીવાડી તથા આરોગ્ય વિભાગના સંકલન દ્વારા એજીઆર-૨ યોજના હેઠળ ઉંદર નિયંત્રણની કામગીરી કરવામાં આવેલ, જેમાં શેરડીના ઉભા પાકમાં બ્રોમાડીઓલોન ૦.૦૦૫% દવાની કેક તથા શેરડી સિવાયના બાકીના પાકો માટે ખુલ્લા ખેતરોમાં ઉંદરના જીવંત દરોમાં બ્રોમાડીઓલોન દવાની કણકી મુકવામાં આવી. તે માટે તાપી જીલ્લાના બધા તાલુકાઓને આવરી લેતા શેરડી પાકના કુલ ૨૮૨૮૧ હેક્ટર વાવેતર વિસ્તાર માટે ૧૦૬૦૫ કિ.ગ્રા. બ્રોમાડીઓલોન ૦.૦૦૫% દવાની કેક મુકવામાં આવેલ, જયારે શેરડી સિવાયના અન્ય પાકો માટે ૧૧૦૬૯ કિ.ગ્રા. ચોખાની કણકી સાથે બ્રોમાડીઓલોન સી. બી.પાઉડર ૮૨૩૫૫ હેક્ટર વિસ્તારમાં મુકવાની કામગીરી કરવામાં આવી.
તાપી જીલ્લામાં થતા જુદા-જુદા પાકો જેવા કે ડાંગર, મગફળી, મકાઈ, શેરડીમાં ઉંદરોથી થતું નુકશાન અટકાવવા માટે તા. ૧૭-૧૮-૧૯-૨૦-૨૧ /૦૬/૨૦૨૦ દરમ્યાન ઝુંબેશરૂપે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ફાર્મર ફ્રેન્ડ, આશાવર્કર વગેરે દ્વારા જીવંત દરોમાં દવા મૂકી ઉંદર નિયંત્રણની કામગીરી કરવામાં આવી. પાકને નુકશાન થવા ઉપરાંત ઉંદર દ્વારા ખેડૂતોમાં ફેલાતા લેપ્ટોસ્પાયરોસીસ નામના ચેપી રોગ અંગે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા.
આમ, ઉંદર નિયંત્રણની સાથે લેપ્ટોસ્પાયરોસીસ અટકાયતની કામગીરી પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
–