તાપી જિલ્લા કલેક્ટરશ્રીએ વાલોડ તાલુકામા બાળ વિકાસ અને પોષણ સેવાઓનું નિરીક્ષણ કર્યું

વાલોડ તાલુકાની નનસાડ અને શાહપોર આંગણવાડી કેન્દ્રની મુલાકાતે કલેક્ટરશ્રી દેવ ચૌધરી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૯ :- તાપી જિલ્લાના કલેકટરશ્રી દેવ ચૌધરીએ શુક્રવારે વાલોડ તાલુકાના નનસાડ અને શાહપોર આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળ વિકાસ અને પોષણ સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ સાધી તેમની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી.
કલેકટરશ્રીએ આંગણવાડી કેન્દ્રમાં બાળકોની હાજરી, પોષણયુક્ત આહાર, પ્રિ-સ્કૂલ શિક્ષણ, આરોગ્ય ચકાસણી તેમજ ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. સાથે જ ગર્ભવતી અને ધાત્રી માતાઓ માટે અમલમાં મુકાતી વિવિધ યોજનાઓની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. તેમણે બાળકોના આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે પોષણ અને સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
મુલાકાત દરમિયાન કલેકટરશ્રીએ આંગણવાડી કાર્યકરોની કામગીરીને બિરદાવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વધુ સમર્પિત ભાવથી કામગીરી કરવા માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. આ પ્રસંગે આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલ, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
