“વર્લ્ડ સિકલસેલ અવેરનેસ ડે” તાપી જીલ્લામાં સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ : જીલ્લામાં કુલ ૩૧૯૪ સીકલસેલ ડીસીસના દર્દી
દર્દીને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા દર મહિને રૂ.૫૦૦/-ની સહાય આપવામાં આવે છે
કલેક્ટર આર.જે. હાલાણીએ જિલ્લાનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત જીવન વ્યતિત કરે તેવી શુભકામનાઓ પાઠવી
(માહિતિ વિભાગ- તાપી) : વ્યારા; શુક્રવાર: વર્લ્ડ સિકલસેલ અવેરનેસ ડે: વિશ્વ સિકલસેલ જાગૃતિ દિવસ તા.૧૯મી જૂને વિશ્વ આખામાં ઉજવવામાં આવે છે.આનુવંશિક રોગ તરીકે જેની ગણના થાય છે તે સિકલસેલ, સામાન્ય રીતે આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળે છે.
સિકલસેલ રોગ નાબુદી માટે સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૬મા કરવામા આવી હતી જેમા જીલ્લાની તમામ ટ્રાયબલ વસ્તિને આવરી લઇ દરેક વ્યક્તિઓની સીકલસેલની તપાસ કરવામા આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો હર્ષદ પટેલ તરફથી પ્રાપ્ય વિગતો મુજબ તાપી સિકલસેલ અંતર્ગત થયેલ સ્ક્રીનીંગ ટેસ્ટ કુલ વસ્તી ૮,૬૧,૧૫૩ સામે ૭,૭૪,૭૨૨ (૯૦%) જેટલી સ્ક્રીનીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તે પૈકી સિકલસેલ રોગના ૩૧૯૪ દર્દીઓ અને ૬૫૩૯૩ સિકલસેલના વાહક નોંધાયેલ છે. આ રોગ પ્રતિ જાગૃતિ કેળવી શકાય તથા રોગથી પીડિત દર્દીઓને સહાયભૂત થઈ શકાય તે માટે આજે સામુહિક રીતે ચિંતન, મનન અને મંથન કરવાની આવશ્યકતા છે. સિકલસેલ રોગને નિયંત્રિત કરવાના ઉપાયો, દર્દીઓ માટે ઉપલબ્ધ સારવાર, દર્દી અને તેના પરિવારે રાખવાની તકેદારી જેવા મુદ્દે પણ વ્યાપક જનજાગૃતિની આવશ્યકતા છે.તાપી જીલ્લાની ટીમ અને આ બાબતે કામ કરતા એનજીઓ દ્વારા ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.
તાપી જિલ્લામા સિકલસેલના દર્દીઓની સારવાર સહિતના જુદા જુદા કાર્યોમાં કલેક્ટર આર.જે. હાલાણી અને જિલ્લા વિકાસ અધિકારી કુ.નેહાસિંઘના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્યતંત્ર સતત પ્રયત્નશીલ રહ્યું છે. જિલ્લામાં દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક તપાસ માટે DTT Screening (Dithionite Tube Turbidity)ની સુવિધા ઉપલબ્ધ છે અને આખરી નિદાન માટેની તપાસ માટે HPLC Test(High Performance Liquid Chromatography) ની સુવિધા જનરલ હોસ્પિટલ, વ્યારા ખાતે ઉપલબ્ધ છે.
સિકલસેલ ડીસીઝ દર્દીને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા દર મહિને રૂ.૫૦૦/-ની સહાય આપવામાં આવે છે. જીલ્લામાં કુલ ૩૧૯૪ સીકલ સેલ ડીસીસના દર્દી છે જે પૈકી ૨૯૯૯ લોકોને આ સહાય ચુકવવામા આવેલ છે.
દરેક આરોગ્ય કેન્દ્રો ખાતે સિકલસેલ દર્દીઓ માટે ન્યુમોકોકલ વેક્સિન તથા હાઈડ્રોક્સીયુરીયા આપવામાં આવે છે.સિકલસેલ રોગના દર્દીઓ માટે ફોલીક એસીડની ગોળી આશા, પેરામેડિકલ સ્ટાફ, સિકલસેલ કાઉન્સેલર દ્વારા આપવામાં આવે છે. બ્લડ ટ્રાન્સફ્યુઝનની સુવિધા સા.આ.કેન્દ્ર તેમજ જનરલ હોસ્પિટલ દ્વારા પુરી પાડવામાં આવે છે.
આરોગ્ય વિભાગ સહિત જુદીજુદી સેવા સંસ્થાઓના સહિયારા પ્રયાસોને કારણે આ બાબતે આપણે ઘણી જાગૃતિ કેળવી ચુક્યા છે.ગ્રામસભા, શાળાઓમાં, જાહેર સ્થળોએ, લોક-મેળાઓમાં સિકલસેલ રોગ અંગે ચર્ચા અને રોગ અટકાયતી પગલાંઓ અને નિયંત્રણ અંગે ચર્ચા અને આઇ.ઇ.સી.ની પ્રવ્રુતિઓ સતત કરવામાં આવે છે.તાપી જિલ્લામાં ૧૫ સિકલસેલ કાઉન્સેલરો દ્વારા દર્દીઓનું કાઉન્સેલીંગ અને રેગ્યુલર ફોલોઅપ, મમતા દિવસ પર કિશોરીઓ, સગર્ભા માતાનું કાઉન્સેલીંગ કરવામાં આવે છે.
આગામી દિવસોમાં હજી વધુ કાર્યક્રમો સાથે એક એક ઘર અને એક એક પ્રજાજનોને આ બાબતથી અવગત કરાવવાનો જિલ્લા વહીવટી તંત્રનો પ્રયાસ છે. જેમાં સૌના સાથ અને સહયોગની અપેક્ષા છે.સિકલસેલ રોગ વિશે વિસ્તૃત જાણકારી આ રોગના તજજ્ઞો દ્વારા વિસ્તૃત રીતે અપાશે. તજજ્ઞો દ્વારા અપાતી આ જાણકારી, માહિતી અને માર્ગદર્શનને અનુસરીને, જિલ્લાનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત જીવન વ્યતિત કરે તેવી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ શુભકામનાઓ પાઠવી છે.
૦૦૦૦૦૦૦