પાડોશીની સતત હેરાનગતિથી વિધવા પીડિત મહિલાને 181 અભયમ ટીમે તાત્કાલિક મદદ પહોંચાડી શાંતિપૂર્ણ સમાધાન કરાવ્યું
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : સુરત શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતી એક પીડિત વિધવા મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી પાડોશી દ્વારા થતી સતત હેરાનગતિ અંગે મદદ માગી હતી.
પીડિતાએ જણાવ્યા મુજબ પાડોશમાં રહેતી એક મહિલાએ વારંવાર અપશબ્દો બોલી ઝઘડો કરવો, તેમના ઘર ઉપરથી કચરો નાખવો, ચારિત્ર્ય અંગે અયોગ્ય ટિપ્પણીઓ કરી બદનામ કરવાનો પ્રયાસ કરવો તેમજ તેમના પુત્રની બાઈક નજીક ગંદુ પાણી રેડી ગંદકી ફેલાવવી જેવી હરકતો કરી હતી. ઉપરાંત, બાઈક તોડી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી 181 અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા બંને પક્ષો સાથે વાતચીત કરી ખાસ કરીને પાડોશી મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમને પીડિત મહિલા સાથે ઝઘડો ન કરવા, અપશબ્દો ન બોલવા અને ચારિત્ર્ય અંગે કોઈપણ પ્રકારની અયોગ્ય ટિપ્પણી ન કરવા સમજાવવામાં આવ્યું હતું.
કાઉન્સેલિંગ બાદ પાડોશી મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી પીડિત મહિલાની માફી માંગી હતી તથા ભવિષ્યમાં આવી હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ અભયમ ટીમે પીડિત મહિલાને જરૂરી સલાહ, સૂચન, માર્ગદર્શન અને કાયદાકીય માહિતી પૂરી પાડી હતી.
પ્રકરણનું સમાધાન થતા પીડિત મહિલાએ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
