ઊંચામાળા પીએમશ્રી શાળાથી અણુમાળા ટાઉનશીપ સુધીની રેલીએ મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે મતદાન જાગૃતિ માટે સ્વીપ પ્રવૃત્તિઓ
—
વ્યારામાં સાયકલ-બાઈક રેલીમાં ૧૦૦ થી વધુ શિક્ષકોની ઉત્સાહભેર ભાગીદારી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 08 :- સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ ને અનુલક્ષીને તા. ૦૮ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ વ્યારાના ઊંચામાળા પ્રાથમિક પીએમશ્રી શાળાથી મતદાન જાગૃતિ માટે યોજાયેલી સાયકલ-બાઈક રેલીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ષાબેન વસાવા તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં આશરે ૧૦૦ જેટલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વર્ષાબેન વસાવાએ જણાવ્યુ કે, તાપી જિલ્લામાં સ્વીપ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર તથા શિક્ષણ વિભાગ દ્વારા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન જાગૃતિ વધારવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાયકલ-બાઈક રેલીના માધ્યમથી ૧૦૦ જેટલા શિક્ષકોએ પ્લેકાર્ડ, બેનરના માધ્યમથી આસપાસના નાગરિકોને મતદાન, તેનું મહત્વ અને પોતાના મતાધિકારના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
રેલી ઊંચામાળા પ્રાથમિક શાળાથી પ્રારંભ થઈ અણુમાળા ટાઉનશીપ સુધી પહોંચી ફરી શાળાએ સમાપ્ત થઈ હતી. માર્ગ દરમિયાન શિક્ષકોએ બેનરો અને પ્લેકાર્ડ દ્વારા મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન માટે પ્રેરિત કર્યા હતા.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તા. ૧લી એપ્રિલ, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમને અનુલક્ષીને તાપી જિલ્લામાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોજ મતદાન યોજાશે અને તા. ૨૮.૦૪.૨૦૨૬ના રોજ મતગણતરી કરવામાં આવશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
