ચોપાનિયા, ભીંતપત્રો તથા અન્ય સાહિત્યના મુદ્રણ અને પ્રકાશન સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 05 :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર તથા તાપી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર. બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
જાહેરનામા મુજબ, કોઈપણ વ્યક્તિ જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપાનિયા, ભીંતપત્રો, હેન્ડબિલ, પ્લેકાર્ડ, ઝંડીઓ, તોરણ તેમજ અન્ય સાહિત્ય છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં; અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં; અથવા છાપવાની વ્યવસ્થા કરી શકશે નહીં. સિવાય કે, પ્રકાશકની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ સાક્ષી આપેલ ઓળખ અંગેના એકરારનામાની બે નકલ તેણે મુદ્રકને આપી હોય. ઉમેદવારો તરફથી પ્રચાર માટે જ્યારે હેન્ડબિલ, પ્લેકાર્ડ, પોસ્ટર, ચોપાનિયા, ભીંતપત્રો, ઝંડીઓ, તોરણ તેમજ અન્ય સાહિત્ય છાપવામાં આવે, ત્યારે જે-તે પ્રેસના માલિક કે મુદ્રકે આવા સાહિત્ય ઉપર પોતાનું નામ, સરનામું તથા છાપેલી નકલોની સંખ્યા ફરજિયાતપણે લખવાની રહેશે.
છાપકામની કોઈપણ બાબત જે ગેરકાયદે અપરાધ, પૂર્વગ્રહ ઉભો કરતા અથવા ધર્મ, જાતિ, જ્ઞાતિ, સમાજ અથવા ભાષા અથવા સામાવાળાના ચારિત્ર પર જીવલેણ હુમલા જેવી વાંધાજનક બાબતો હોવી જોઈએ નહી. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 127-ક હેઠળ સાહિત્ય છાપનારે તેની ચાર નકલ સંબંધિત ચૂંટણી અધિકારીને મોકલી આપવાની રહેશે. તેમજ તે અંગે નિયત જોડાણમાં તે અંગેની લેખિતમાં જાહેરાત કરવાની રહેશે. આ સુચનાની તમામ પ્રિન્ટીગં પ્રેસના માલિકો-મુદ્રકો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ જાહેરનામાની અમલવારી તા.૩૦.૦૪.૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
