181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે માનસિક રીતે અસ્ધિર મહિલાને પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલન કરાવ્યું
181
સમયસર કાઉન્સેલિંગ અને સંવેદનશીલ કામગીરીથી સ્થળ પર જ સમાધાન કરાયું
(કિરીટ રાણા દ્વારા, સુરત) : થર્ડ પાર્ટી દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જાણ કરવામાં આવી કે એક બહેન સવારથી એક સ્થળે બેઠેલા છે અને પરેશાન હાલતમાં જોવા મળી રહ્યા છે. માહિતી મળતા જ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
સ્થળ પર પહોંચી ટીમે થર્ડ પાર્ટી પાસેથી સમગ્ર માહિતી મેળવી. ત્યારબાદ બહેન સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે તેમના પતિ અને દીકરાએ મારપીટ કરી તેમને ઘરેથી કાઢી મૂક્યા છે, જેના કારણે તેમણે મદદ માટે અભયમનો સંપર્ક કર્યો હતો.
181 ટીમ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરી વધુ માહિતી મેળવતા જાણવા મળ્યું કે તેઓ ભટાર વિસ્તારમાં રહે છે. જોકે પીડિતાની માનસિક સ્થિતિ થોડી નાજુક હોવાનું ટીમને જણાયું. વધુ પૂછપરછ કરતાં પીડિતાએ જણાવ્યું કે તેમના પતિ અને બે દીકરા છે. પૂછપરછ દરમિયાન તેમને પતિનો મોબાઇલ નંબર યાદ હોવાનું જણાવતા ટીમે તે નંબર મેળવી પતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી.
પતિએ જણાવ્યું કે તેઓ ભટાર વિસ્તારમાં રહે છે. ટીમ પીડિતાને ઘરે પહોંચાડવા માટે તૈયારી કરી રહી હતી ત્યારે પીડિતાના પતિએ જણાવ્યું કે તેઓ પોતે જ સ્થળ પર આવી રહ્યા છે.
થોડી જ વારમાં પીડિતાના પતિ તેમજ દીકરો સ્થળ પર હાજર થયા. 181 ટીમે પતિ અને દીકરાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે પીડિતાની માનસિક સ્થિતિ છેલ્લા ચારથી પાંચ વર્ષથી સારી નથી અને તેમની દવાઓ ચાલુ છે. અગાઉ પણ તેઓ ઘરેથી જાણ કર્યા વગર મુંબઈ સુધી નીકળી ગયા હતા, જ્યાં બસ કંડક્ટરની મદદથી તેમણે પતિનો સંપર્ક કર્યો હતો અને બાદમાં પોલીસ સ્ટેશન મારફતે તેમને ઘરે લાવવામાં આવ્યા હતા.
પરિવારજનોએ વધુમાં જણાવ્યું કે આજ રોજ ફરી સવારે અંદાજે 6:30 વાગ્યે પીડિતા જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા, જેને કારણે પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા અને દીકરાએ 112 પર પણ કોલ કર્યો હતો. તે દરમિયાન 112ની ટીમ પણ સ્થળ પર હાજર હતી.
181 અભયમ ટીમે પીડિતાના પતિ અને દીકરાને શાંતિપૂર્વક સમજાવ્યું કે પીડિતાની વિશેષ કાળજી રાખે, જેથી તેઓ ફરી ઘરેથી બહાર ન નીકળી જાય. તેમજ મનો ચિકિત્સક ડોક્ટરની ફરી એકવાર સલાહ લેવા સૂચન કરવામાં આવ્યું.
આ રીતે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સંવેદનશીલતા અને સમયસર કામગીરી દ્વારા પીડિતાને સ્થળ પર જ તેમના પરિવારને સુરક્ષિત રીતે હેન્ડઓવર કરી સમાધાન કરાવ્યું.
