વ્યારાના ખેડૂતનો નવતર પ્રયોગ : લાલચટક સ્ટ્રોબેરીના ઉત્પાદનથી મેળવ્યો રૂ. ૩ લાખનો ચોખ્ખો નફો
અતુલભાઈને મળ્યું રોજનું ૬૦ કિલો ઉત્પાદન અને રૂ. ૧૫૦ થી વધુનો બજાર ભાવ
—
ઇનોવેટીવ ખેતી અપનાવી બેડકુવાદૂરના અતુલભાઈ ચૌધરીએ રોપ્યા પ્રગતિના નવા બીજ
—
બાગાયત વિભાગના સહયોગથી ખેડૂતની આવક બમણી થઇ
—
બારેમાસ આવકનો સ્ત્રોત : ૧૦ વીઘાની વાડીમાં વેલાવાળા શાકભાજી-મિશ્ર પાકો
(પ્રતિનિધિ દ્વારા) : તા. ૩૧. :- સામાન્ય રીતે સ્ટ્રોબેરીના નામ સાથે મહાબલેશ્વર, સાપુતારા કે ડાંગ જેવા ઠંડા પ્રદેશો યાદ આવે, પરંતુ હવે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવાદૂર ગામના પ્રગતિશીલ ખેડૂત અતુલભાઈ અમરસિંહ ચૌધરીએ આ માન્યતા બદલી નાખી છે. છેલ્લા ૧૨ વર્ષથી બાગાયતી પાકો લેતા અતુલભાઈએ ગત વર્ષે કંઈક નવું કરવાના આશય સાથે સ્ટ્રોબેરીની ખેતીનો પ્રયોગ કર્યો હતો.
વર્ષ ૨૦૨૫ માં તેમણે પ્રાયોગિક ધોરણે ૨ હજાર સ્ટ્રોબેરીના છોડ વાવ્યા હતા, જેમાં તેમને અભૂતપૂર્વ સફળતા અને ઉત્સાહજનક પરિણામ બાદ ચાલુ વર્ષે તેમણે એક વીઘામાં ૧૦ હજાર સ્ટ્રોબેરીના છોડનું મોટા પાયે વાવેતર કર્યું હતું.
અતુલભાઈ ચૌધરીએ જણાવ્યું કે, મારી મહેનત હવે રંગ લાવી રહી છે. આ વખતે મારા ખેતરમાંથી દરરોજ ૫૦ થી ૬૦ કિલો લલચટક તાજી સ્ટ્રોબેરી ઉતરી છે. બજારમાં પ્રતિ કિલો રૂ. ૧૫૦ થી વધુનો ભાવ મળ્યો છે, જેના કારણે મને આશરે રૂ. ૩ લાખ જેટલો ચોખ્ખો નફો થયો છે. અતુલભાઈએ સરકારની સાથે બાગાયત વિભાગના ધર્મિષ્ઠાબેન પટેલ અને હિતેશભાઈ પુરોહિતનો પણ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અતુલભાઈ ચૌધરી માત્ર સ્ટ્રોબેરી જ નહીં, પરંતુ પોતાની કુલ ૧૦ વીઘા જમીનમાં અત્યંત આયોજનબદ્ધ રીતે આધુનિક મિશ્ર ખેતી કરી રહ્યા છે. તેઓ પોતાની વાડીમાં દૂધી, ટામેટા, ટિંડોળા, કોબીજ, ફ્લાવર અને મરચા જેવા પરંપરાગત શાકભાજીની સાથે-સાથે ઝુકીની જેવા વિદેશી અને રોકડિયા પાકોનું પણ સફળતાપૂર્વક ઉત્પાદન લઈ રહ્યા છે.
સ્વાભાવિક છે કે, યોગ્ય આયોજન અને ટેકનિકલ જ્ઞાન સાથે પરંપરાગત ખેતીની સાથે સ્ટ્રોબેરી જેવા રોકડિયા પાકો લેવામાં આવે, તો તે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. અતુલભાઈની આ સિદ્ધિ તાપી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે.
અતુલભાઈ પોતાની સફળતાનો શ્રેય બાગાયત વિભાગને આપતા જણાવે છે કે, વિભાગ દ્વારા મળેલા ટેકનિકલ માર્ગદર્શન, તાલીમ અને પ્રોત્સાહન વિના આ શક્ય નહોતું. સરકારની વિવિધ યોજનાઓ, સબસિડી અને સમયાંતરે મળતી કૃષિ સલાહને કારણે જ તેઓ આટલા મોટા પાયે ખેતી કરી શક્યા છે.
તાપી જિલ્લાના બાગાયત અધિકારી ધર્મિષ્ઠાબેન પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા માટે અનેક યોજનાઓ અમલમાં છે. અતુલભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો તેનો પૂરેપૂરો લાભ લઈ રહ્યા છે. તેમને છેલ્લા ૬ થી ૭ વર્ષમાં પાકા મંડપ માટે અંદાજે રૂ. ૪૦ થી ૪૫ હજાર, મલ્ચિંગ (પ્લાસ્ટિક આવરણ) માટે રૂ. ૪૦ થી ૫૦ હજાર અને કેરેટ સહાય જેવી વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
વધુમાં, તેમને સ્વરોજગારલક્ષી પ્લગ નર્સરી માટે રૂ. ૨.૬૨ લાખની સબસિડી ચૂકવવામાં આવી છે. ચાલુ વર્ષે સ્ટ્રોબેરીની ખેતી માટે તેમને કેન્દ્ર સરકાર તરફથી રૂ. ૩૩ હજાર અને રાજ્ય સરકારની ૨૫ ટકા પૂરક સહાય પણ આપવામાં આવી છે. જ્યારે અતુલભાઈ ચૌધરી જેવા ખેડૂતો ખેતીમાં નવીનતા લાવી આગળ વધવા માંગતા હોય, ત્યારે સરકાર અને સંબંધિત વિભાગો પણ તેમને મક્કમ પીઠબળ પૂરું પાડી રહ્યા છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
