તાપીના નાનસિંગભાઈના ‘પ્રાકૃતિક ગોળ’ ની મીઠાશ સાત સમુદ્ર પાર 

Contact News Publisher

બેડકુવા ગામના ખેડૂતે પરંપરાગત ખેતીમાં મૂલ્યવર્ધનનો નવો કેડો કંડાર્યો 

—    

શેરડીમાંથી શુદ્ધ ગોળ બનાવીને મેળવી રૂ. ૪.૬૫ લાખની આવક 

જીવામૃત અને ઘન જીવામૃતના પ્રતાપે મારી જમીન રૂ જેવી પોચી બની – નાનસિંગભાઈ ચૌધરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.24 :- સામાન્ય રીતે સરકારી સેવામાંથી નિવૃત્ત થયા પછી અધિકારીઓ-કર્મીઓ આરામખુરશી અને છાપાંની દુનિયામાં ખોવાઈ જતા હોય છે, પરંતુ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેડકુવા ગામના નાનસિંગભાઈ ચૌધરીએ એક અલગ જ કેડો કંડાર્યો છે.

વર્ષ ૨૦૧૫માં ફોરેસ્ટ વિભાગમાંથી નિવૃત્ત બાદ તેમણે હળ પકડ્યું અને ૨૦૧૬ માં પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈને કઠણ જમીનને ફળદ્રુપ બનાવવામાં લાગી ગયા. રાસાયણિક ખેતીમાં જમીન કઠણ થઈ જતી હતી અને ખર્ચ વધુ હતો, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં કોઈ વધારાના ખર્ચ વગર લાંબા ગાળે જમીન વધુ ફળદ્રુપ બને છે. આજે તેઓ માત્ર સફળ ખેડૂત નથી, પણ હજારો ખેડૂતોને રાહ ચીંધતા માસ્ટર ટ્રેનર પણ છે.

માધ્યમો સાથેના સંવાદમાં નાનસિંગભાઈ ચૌધરીએ જણાવ્યુ કે, મેં મારી પ્રાકૃતિક ખેતીના પ્રયોગ રૂપે શેરડીનું વાવેતર કર્યું હતું, જેમાં મને આ વર્ષે ૨૬.૫૮ ટન શેરડીનું ઉત્પાદન મળ્યું. આ શેરડીને સીધી વેચવાને બદલે મેં તેમાંથી મૂલ્યવર્ધન કરીને ૩૫૭૯ કિલો શુદ્ધ ગોળ તૈયાર કર્યો અને બજારમાં શુદ્ધ અને પ્રાકૃતિક ગોળની ભારે માંગને કારણે રૂ. ૧૩૦ કિલો લેખે મને કુલ રૂ. ૪.૬૫ લાખની આવક થઈ.

નોંધનીય છે કે, શેરડી ઉછેરથી લઈને ગોળ બનાવવા સુધીનો ખર્ચો બાદ કરતા પણ અઢી લાખ જેટલો ચોખ્ખો નફો મેળવીને ચૌધરી સાહેબે ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યુ છે.

વર્ષ ૨૦૨૦ માં તેમણે ૩ એકરમાં ૧૦૮ ટન શેરડી પકવી હતી. જેમાં પણ અંદાજિત રૂ. ૨.૨૫ જેટલી ચોખ્ખી આવક થઈ હતી. જીવામૃત અને ઘન જીવામૃત જેવા પ્રાકૃતિક ઘટકોના ઉપયોગથી તેમની જમીન આજે રૂ જેવી પોચી અને ફળદ્રુપ બની છે. અગાઉ રાસાયણિક ખેતી વખતે જે નીંદણ ઉખડતા તૂટી જતું હતું, તે હવે મૂળિયા સાથે સહજતાથી નીકળી આવે છે, જે જમીનની ઉત્તમ તંદુરસ્તીનો પુરાવો છે.

કેમિકલ રહિત હોવાને કારણે તેમના ગોળનો સ્વાદ એટલો લોકપ્રિય થયો છે કે આજે તે સુરત, નવસારી, અમદાવાદ, ગાંધીનગર અને છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે. એટલું જ નહીં, અમેરિકા, કેનેડા સહિત વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ખાસ આગ્રહ રાખીને આ ગોળ મંગાવે છે.

હાલમાં નાનસિંગભાઈ ચૌધરી શેરડીની સાથે આંબાવાડી તરફ આકર્ષાઈ રહ્યા છે. તેમણે થોડો વિસ્તાર આંબા (મેંગો) તરફ વાળ્યો છે. તેમનું માનવું છે કે આંબાવાડી લાંબા ગાળે સારી આવકનો સ્ત્રોત બની શકે છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોને પણ અનુરૂપ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *