તાપી જિલ્લામાં સ્વયંમ પ્રેરિત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઇ
વાલોડ તાલુકાના અલગટ ગામે 134 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે પ્રાયોગિક માર્ગદર્શન, મોડેલ ફાર્મ પર તાલીમ સાથે અગ્નિઅસ્ત્રનું જીવંત નિદર્શન
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 23 :- તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગટ ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત આયોજન હેઠળ જિલ્લામાંથી 134 સ્વયંમ પ્રેરિત ખેડૂતો (નોન મિશન ક્લસ્ટર) માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ મોડેલ ફાર્મ પર આયોજન કરી ખેડૂતોને પ્રાયોગિક તેમજ સિદ્ધાંત આધારિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિ શ્રી સી. કે. ટીમ્બાડિયા દ્વારા ટેલિફોનિક માધ્યમથી ખેડૂતોને સંબોધન કરી પ્રાકૃતિક કૃષિના મહત્વ વિષે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને કિચન ગાર્ડન અને મોડેલ ફાર્મ વિકસાવવા અંગે ઉપયોગી માહિતી આપી હતી.
આ સાથે યુનિવર્સિટીના માસ્ટર ટ્રેનર દર્શનાબેન બી. ચૌધરી દ્વારા ખેડૂતોને દેશી ગાયના મહત્વ અને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કર્મચારીઓ દ્વારા ખેડૂતોને પાંચ સ્તરીય મોડેલ તથા બી.આર.સી. યુનિટ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન ખેડૂતોને અગ્નિઅસ્ત્રનું જીવંત નિદર્શન કરાવવામાં આવ્યું તેમજ મોડેલ ફાર્મની મુલાકાત દ્વારા પ્રાકૃતિક કૃષિના વિવિધ ઉપાયો અંગે પ્રાયોગિક જાણકારી આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમથી ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ વધે તેમજ ટકાઉ અને ખર્ચ ઘટાડતી ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રેરણા મળે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
