તાપી જિલ્લાને સુરક્ષા અને આવાસની ભેટ: સોનગઢમાં ૪.૪૭ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ

Contact News Publisher

વ્યારામાં અંદાજિત ૨૯ કરોડના ખર્ચે પોલીસ આવાસનું ઈ-ખાતમુહૂર્ત; નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ માંડવીથી વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું

– સોનગઢનું નવું પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે

– ૨૪ કલાક ફરજ બજાવતા પોલીસ જવાનો માટે નવા આવાસો આશીર્વાદરૂપ બનશે :-રાજ્યમંત્રીશ્રી મંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 22. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજે સુરત જિલ્લાના માંડવી ખાતે ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દક્ષિણ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનો અને વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ ખાતે રૂ. ૪૪૭.૧૦ લાખના ખર્ચે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઈ -લોકાર્પણ અને આ સાથે વ્યારા ખાતે નવી પોલીસ લાઇનના બાંધકામ માટે રૂ.૨૯.૯૦ કરોડના ખર્ચે ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.

સોનગઢ ખાતે આયોજિત કાર્યક્રમમાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીત દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ તકે રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતએ જણાવ્યું હતું કે, સોનગઢનું આ નવનિર્મિત પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ૨૪ કલાક ફરજ બજાવતા પોલીસ જવાનો માટે વ્યારામાં તૈયાર થનારા આવાસો પણ આશીર્વાદરૂપ બનશે. રાજ્ય સરકાર પોલીસ તંત્રને વધુ આધુનિક અને સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છે.

નોંધનીય છે કે સોનગઢ ખાતે નવનિર્માણ પામેલ પોલીસ સ્ટેશન મકાન કુલ આશરે ૧૪૮૦ ચો.મી. બિલ્ટ-અપ વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ આધુનિક પોલીસ સ્ટેશનમાં ગાર્ડ રૂમ, ઈન્વેસ્ટિગેશન રૂમ, ડિટેક્શન રૂમ, ઈન્ટરોગેશન રૂમ, પોલીસ ઈન્સ્પેક્ટર તથા સબ ઈન્સ્પેક્ટરની કચેરીઓ, વેઇટિંગ એરિયા, રાઈટર રૂમ, લોકઅપ સુવિધા તેમજ નાગરિકોને અનુકૂળ જનરલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણી, તાપી જિલ્લા પોલીસ વડા શ્રી જશુભાઈ દેસાઈ , પદ્મશ્રી રમીલાબેન ગામીત સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. માંડવી ખાતેથી યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું સોનગઢ ખાતે જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *