જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ડોલવણ ખાતે આમણીયા વિયરનું ખાતમુહૂર્ત કર્યું
રૂ. 18.59 કરોડના પ્રોજેક્ટથી 178 હેક્ટર જમીન સિંચાઈની સુવિધા મળશે
—
છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ” – મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ: મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧ :- ડોલવણ તાલુકાના આમણીયા ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રૂ. 18.59 કરોડના ખર્ચે આમણીયા વિયરનું વિધિવત્ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના ડુંગરાળ વિસ્તારોમાં વધુ વરસાદ હોવા છતાં પાણી વહી જતું હોવાથી ચોમાસા બાદ પાણીની તકલીફ સર્જાતી હતી. રાજ્ય સરકાર દ્વારા વિવિધ સિંચાઈ યોજનાઓ મારફતે આ સમસ્યાનું નિરાકરણ લાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આમણીયા વિયર જેવી યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સમયસર સિંચાઈ માટે પાણી મળવાથી કૃષિ ક્ષેત્રમાં ગુણાત્મક વિકાસ થશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે આ વિયર બન્યા બાદ નવી ઉદ્વહન સિંચાઈ યોજના લાગુ કરી તેના દ્વારા પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવાનું આયોજન છે, જેના કારણે ખેડૂતો વર્ષમાં ત્રણેય સીઝનમાં પાક લઈ શકશે.
આ તકે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ અને ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ પણ રાજ્ય સરકાર દ્વારા નાગરિકો અને ખેડૂતોની સુખાકારી માટે સિંચાઈની સમસ્યાને દૂર કરવા માટેના નક્કર પગલાઓ વિશે જાણકારી પુરી પાડી હતી.
નોંધનીય છે કે, ૧૪૧ મીટર લાંબાઈ અને આશરે ૮ મીટર ઊંચાઈ ધરાવતા આ વિયરથી આમણીયાના આસપાસના વિસ્તારના અંદાજિત ૧૭૮ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારમાં કૃષિ ઉત્પાદન વધશે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે.
રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવાના અભિગમ હેઠળ પાણી જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આમણીયા વિયર પ્રોજેક્ટ આ દિશામાં મહત્વપૂર્ણ કડી સાબિત થશે.
આ તકે પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ, દક્ષિણ ઝોનના સિંચાઈ વિભાગના ચીફ ઇજનેરશ્રી આર.એમ.પટેલ, આમણીયા ગામના સરપંચશ્રી, સમિતિના સભ્યો, અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, આમંત્રિતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
