તાપી જિલ્લામાં લોક અદાલતમાં પરસ્પર સમજૂતીથી ૪૨૦૦ થી વધુ કેસોનો સુખદ નિકાલ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 18 :- ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગત તા. ૧૪/૦૩/૨૦૨૬ના રોજ જિલ્લાની તમામ કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતનો મુખ્ય આશય લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસોનો ઝડપી, સરળ અને ખર્ચમુક્ત ન્યાયિક નિકાલ કરવાનો હતો. જેમાં ફોજદારી, બેંક લોન, વીજળી, પાણી, વાહન અકસ્માત વળતર અને પરિવાર સંબંધિત વિવિધ પ્રકારના કેસો હાથ ધરવામાં આવ્યા હતા.

આ લોક અદાલત દરમિયાન વિવિધ કેટેગરીમાં વિવિધ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રિ-લિટીગેશનના ૯,૩૪૪ કેસોમાંથી ૧,૫૮૮ કેસોનો અંદાજે રૂ. ૧.૩૦ કરોડથી વધુની રકમ સાથે નિકાલ થયો હતો. તેવી જ રીતે, સિવિલના ૬૬૩ કેસોમાંથી ૪૯૨ કેસોનો અંદાજે રૂ. ૧.૯૯ કરોડના સેટલમેન્ટ સાથે અને સ્પેશિયલ સિટિંગના ૨,૨૬૭ કેસોમાંથી ૨,૧૪૪ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આમ, લોક અદાલતના માધ્યમથી પક્ષકારોને આર્થિક અને માનસિક તણાવમાંથી મુક્તિ અપાવી ન્યાય પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો હતો.

સામાન્ય નાગરિકોને ત્વરિત ન્યાય મળે તે દિશામાં લોક અદાલત એક અસરકારક વૈકલ્પિક વિવાદ નિવારણ વ્યવસ્થા સાબિત થઈ છે. આ સફળ આયોજનમાં માનનીય ન્યાયાધીશો, કાનૂની સેવા સત્તામંડળના અધિકારીઓ, વકીલો અને કોર્ટ સ્ટાફનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો. અંતમાં, આયોજક મંડળ દ્વારા ન્યાય પ્રણાલીને વધુ લોકલક્ષી અને અસરકારક બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી અને વધુમાં વધુ લોકોને આ વ્યવસ્થાનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. તેમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તાપીના સચિવશ્રી વાય.બી.ગામીત દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું હતું.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *