મિશન લાઈફ અંતર્ગત તાપી ફનફેસ્ટમાં બાળપણ હિલોળે ચઢ્યું 

Contact News Publisher

સયાજી મેદાનમાં ટાબરિયાઓની ટોળકીએ ધમાલ મચાવી

—  

હાર-જીતની પરવા કર્યા વગર માત્ર આનંદ માટે કુદકા મારતા ટાબરિયાઓ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.17 :- મિશન લાઈફ અભિયાન અંતર્ગત આયોજિત ‘તાપી ફનફેસ્ટ-2026’માં વ્યારાના સયાજી ગ્રાઉન્ડ પર જાણે ઉત્સાહનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ગ્રાઉન્ડના એક છેડે રસ્સાખેંચ અને કબડ્ડી જેવી રમતોમાં ખેલાડીઓની શારીરિક-બૌદ્ધિક ચપળતા પ્રેક્ષકોમાં રોમાંચ જગાડતી હતી, તો બીજી તરફ મેદાનના બીજા ખૂણે ઉઠતા બાળકોના ખડખડાટ હાસ્ય અને નિર્દોષ કિલ્લોલે સમગ્ર વાતાવરણને આનંદમય બનાવ્યુ હતુ.

આ નાનકડા ભૂલકાઓએ પોતાની અનોખી શૈલીમાં સૌનું મનોરંજન કર્યું હતું. લીંબુ-ચમચીની દોડમાં જ્યારે ટાબરિયાઓ એકાગ્રતાથી ચાલતા, ત્યારે તેમની નિર્દોષ ભૂલોમાં પણ વહાલ વરસતું હતું. કોઈનું લીંબુ પડી જાય તો જાણે કોઈએ જોયું જ ન હોય તેમ ચુપકેથી ખિસ્સામાં મૂકી દઈ, છેલ્લે ફિનિશિંગ લાઇન પર ફરીથી ચમચીમાં ગોઠવી દેવાની તેમની આ રમતિયાળ ચાલાકીએ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. રમતા-દોડતા અને હસતા આ બાળકોએ બાળપણની સાચી મજા માણી હતી.

રમતોની જમાવટમાં જ્યારે ‘કોથળા દોડ’ શરૂ થઈ ત્યારે દ્રશ્યો જોવા જેવા હતા; પગ કોથળામાં ફસાયેલા હોવા છતાં ટબુડિયાઓ જે રીતે કાંગારૂની જેમ કુદકા મારીને આગળ વધતા હતા, તે જોઈને આખું મેદાન હાસ્યથી છલકાઈ ગયું હતું. કોઈ બાળક સંતુલન ગુમાવીને ગબડી પડતું તો ફરી પાછું નિર્દોષતાથી ઊભું થઈને લક્ષ્ય તરફ દોડવા માંડતું. તો બીજી તરફ ‘કેળા કૂદ’માં બાળકોની ચપળતાએ સૌને અચંબિત કરી દીધા હતા.

કાર્યક્રમનું સૌથી યાદગાર અને હૃદયસ્પર્શી દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગ, શ્રીમતી ગર્ગ, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ અને તેમનો પરિવાર પણ મસ્તીમાં જોડાઈ ગયા હતા. કલેક્ટરશ્રીએ નાના ભૂલકાઓ સાથે ખભેખભા મિલાવીને દોડ લગાવી ત્યારે મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની આ અદભૂત સહજતાએ મિશન લાઈફના આ કાર્યક્રમને માત્ર સફળ જ નહીં, પણ યાદગાર બનાવી દીધો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *