તાપીમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો: દેગામા ક્લસ્ટરના 91 ખેડૂતોએ વ્યારા ખાતે મેળવી આધુનિક તાલીમ 

Contact News Publisher

નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’ હેઠળ ખેડૂતોને અપાયું જીવામૃતનું જીવંત નિદર્શન 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . 17 :- તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ક્લસ્ટરના 91 જેટલા ખેડૂતો માટે “કૃષિ વિજ્ઞાન કેન્દ્ર” પાનવાડી, વ્યારા ખાતે આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’ અંતર્ગત વિશેષ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યું હતું.

આ તકે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યા સહિતના નિષ્ણાતો દ્વારા ખેડૂતોને દેશી ગાયનું મહત્વ અને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડૂતોએ હાઇબ્રિડ બિયારણના બદલે સ્થાનિક અને દેશી સુધારેલી જાતોના બીજનો ઉપયોગ કરવો જોઈએ, જે ઓછા ખર્ચાળ હોવાની સાથે રોગ-જીવાત સામે લડવાની અદભૂત પ્રતિકારક શક્તિ ધરાવે છે.

ખેતીના ખર્ચમાં ઘટાડો કરવા માટે રાસાયણિક ખાતરોના વિકલ્પે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનતા બીજામૃત, જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. આ પ્રાકૃતિક પદ્ધતિ જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ માટે સુરક્ષિત છે અને જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખે છે.

કાર્યક્રમના અંતિમ ચરણમાં ખેડૂતોને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ નહીં, પરંતુ જીવામૃત બનાવવાનું લાઈવ નિદર્શન પણ બતાવવામાં આવ્યું હતું. ઉપરાંત, ખેડૂતોએ પ્રાકૃતિક મોડેલ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લઈને આ પદ્ધતિના ફાયદાઓ નિહાળ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ મેનેજર પૂજાબેન પટેલ અને ધર્મેશભાઈ ગામીત સહિત ‘આત્મા’ની ટીમે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ કેવળ આર્થિક લાભનો વિષય નથી, પણ જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણના રક્ષણ માટેનો એક સેવાયજ્ઞ છે.

આ તાલીમ શિબિરમાં ખેતી મદદનીશ સુશ્રી પાયલબેન ચૌધરી, તાલુકા પ્રોજેક્ટ મેનેજરશ્રી જયદીપભાઈ ગામીત સહિત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને કૃષિ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને પ્રાકૃતિક ખેતીના પંચામૃત અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *