મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે મિશન લાઈફ અંતર્ગત યોજાયો તાપી ફન ફેસ્ટ ૨૦૨૬
કલેક્ટર ડો. વિપિન ગર્ગની ઉપસ્થિતિમાં રમતવીરો અને કલાપ્રેમીઓ સન્માનિત કરાયાં
—
કબડ્ડી-રસ્સાખેંચમાં અદભૂત ટીમવર્ક નજરે પડ્યો, જ્યારે વારલી ચિત્રથી કલાકારોએ કંડારી આદિવાસી સંસ્કૃતિની ભવ્યતા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 17 :- તાપી જિલ્લાના વ્યારા સ્થિત સયાજી ગ્રાઉન્ડ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત ‘તાપી ફન ફેસ્ટ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ અને પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ સહિત વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, યુવાનો, મહિલાઓ, બાળકો, રમતવીરો અને કલાપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા માટે પરિણામલક્ષી પહેલ કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે, આજના આધુનિક અને બેઠાડું જીવનશૈલીના યુગમાં શારીરિક શ્રમ મહત્વપૂર્ણ છે. જે અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કબડ્ડી અને રસ્સાખેંચ જેવી પરંપરાગત રમતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
મેદાનની માટીમાં ખેલાયેલી કબડ્ડીની સ્પર્ધામાં યુવાનોની શારીરિક ચપળતાના દર્શન થયા હતા, જ્યારે રસ્સાખેંચમાં અદભૂત ટીમવર્ક જોવા મળ્યું હતું. આ રમતો માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રહેતા, મેદસ્વિતા સામે લડવા અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટેની એક સફળ પહેલ સાબિત થઈ હતી. ઉપસ્થિત જનમેદનીએ ખેલાડીઓના ઉત્સાહને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.
શારીરિક સ્પર્ધાઓની સાથોસાથ જિલ્લાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને પણ આ આયોજનમાં વણી લેવામાં આવી હતી. આકર્ષણના કેન્દ્ર સમાન વારલી ચિત્રકળા સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાની સર્જનાત્મકતાના રંગો રેલ્યા હતા.
કાર્યક્રમના અંતે વિવિધ સ્પર્ધાઓના વિજેતા સ્પર્ધકોને કલેક્ટરશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ પ્રોત્સાહનરૂપે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
