તાપી જિલ્લામાં બે દિવસીય આદિજાતિ સંસ્કૃતિનો રંગારંગ મહોત્સવ પ્રારંભ થશે 

Contact News Publisher

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ૩૧મો રાજ્યકક્ષાનો આદિજાતિ મહોત્સવ યોજાશે

વ્યારા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કાર્યક્રમના સુચારુ આયોજન માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :. 13 :- તાપી જિલ્લાના સોનગઢ સ્થિત સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં તા. ૧૪ અને ૧૫ માર્ચ એમ બે દિવસીય ‘૩૧માં રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ’ નો આજથી સાંજે ૬:૩૦ કલાકે ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડના અધ્યક્ષસ્થાને સોનગઢ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મંચ વ્યવસ્થા, મહાનુભાવો અને દર્શકો માટે બેઠક વ્યવસ્થા, સુરક્ષા, પાર્કિંગ, પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ અંગે આખરી સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આ ભવ્ય મહોત્સવનું ઉદ્ઘાટન રાજ્યના આદિજાતિ વિકાસ અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે. આ અવસરે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત પણ ઉપસ્થિત રહેશે.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા તાપી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પ્રાચીન પરંપરાઓ, અનોખી કલા, લોકસંગીત અને તેમની વિશિષ્ટ જીવનશૈલીને ઉજાગર કરવાનો છે.

આ બે દિવસીય મહોત્સવ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિજાતિ કલાકારો દ્વારા પરંપરાગત નૃત્યો અને ગાયન રજૂ કરવામાં આવશે. આ મહોત્સવ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ નવી પેઢીને પોતાના ભવ્ય સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવાનું એક સબળ માધ્યમ બની રહેશે.

તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને આ ભવ્ય આદિજાતિ મહોત્સવમાં સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *