તાપી જિલ્લામાં રાજ્યકક્ષાનો ૩૧મો આદિજાતિ મહોત્સવ 2026 યોજાશે
આગામી ૧૪-૧૫ માર્ચે યોજાનારા આદિજાતિ મહોત્સવ માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજાઈ; વિવિધ વિભાગોને જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.12 :- ગુજરાતની સમૃદ્ધ આદિજાતિ કલા અને સંસ્કૃતિના જતન તથા આદિજાતિ યુવક-યુવતીઓની સુષુપ્ત શક્તિઓને મંચ પૂરું પાડવા માટે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આગામી ૧૪ અને ૧૫ માર્ચ, ૨૦૨૬ દરમિયાન રાજ્યકક્ષાના ‘આદિજાતિ મહોત્સવ-૨૦૨૬’ ની ઉજવણી થનાર છે.
આ તકે, તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર આર.આર.બોરડે આદિજાતિ મહોત્સવના સફળ આયોજન માટે વિવિધ વિભાગના નોડલ અધિકારીઓની નિમણૂક કરીને કામગીરી સુનિશ્ચિત કરી હતી.
તેમણે આમંત્રિતો, નાગરિકો અને કલાપ્રેમીઓ માટે બેઠક વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય ટીમ, મોબાઈલ ટોઈલેટ જેવી તમામ આનુષંગિક સુવિધાઓ તેમજ ટ્રાફિક નિયમન અને સુરક્ષા અંગે સુચારુ આયોજન કરવા સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની સફળતા માટે જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ મહોત્સવનો મુખ્ય આશય આદિજાતિ યુવક-યુવતીઓમાં રહેલી અપ્રગટ શક્તિઓને પ્રોત્સાહન આપવાનો અને સમાજના અન્ય વર્ગો સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરવાનો છે. નોંધનીય છે કે, વર્ષ 1991-92 થી રાજ્યકક્ષાનો આદિજાતિ મહોત્સવ યોજવામાં આવે છે.
સોનગઢ તાલુકાની સાર્વજનિક હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ બે દિવસીય મહોત્સવમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોની ટ્રાયબલ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, મહાનુભાવો અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. સ્થાનિક જનમેદની આ મહોત્સવનો આનંદ માણી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા બેઠક વ્યવસ્થા, સુરક્ષા અને અન્ય પાયાની સુવિધાઓ માટે સુદ્રઢ આયોજન કરાશે. આ કાર્યક્રમ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ નવી પેઢીને પોતાની પરંપરાઓ સાથે જોડવાનું એક મહત્વનું માધ્યમ બની રહેશે.
આ બેઠકમાં નાયબ કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, સંબંધિત અને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
