CET પરીક્ષામાં ઉચ્છલની ધૂપી પ્રાથમિક શાળાનું 100% પરિણામ
16માંથી 16 વિદ્યાર્થીઓ સફળ, 45થી વધુ ગુણ સાથે મેરીટમાં
—
સફળ વિદ્યાર્થીઓમાં દીકરીઓની બહુમતી, શિક્ષણમાં દીકરીઓની વધતી પ્રગતિ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 11. :- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની ધૂપી પ્રાથમિક શાળાએ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ–5ની CET (Common Entrance Test) 2026–27 પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળાનું તેમજ સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. શાળાના કુલ 16 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ 16 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. ખાસ વાત એ છે કે તમામ વિદ્યાર્થીઓએ 45થી વધુ ગુણ મેળવી મેરીટમાં સ્થાન મેળવ્યું છે, જેના કારણે તાપી જિલ્લામાં ધૂપી પ્રાથમિક શાળાનું પરિણામ નોંધપાત્ર રહ્યું છે.
આ પરીક્ષામાં પાડવી પ્રેમલકુમાર વિપુલભાઈએ 81 ગુણ મેળવી ઉચ્છલ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી શાળા માટે ગૌરવની લાગણી ઊભી કરી છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ શાળાના શિક્ષકોની સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે.
નોંધનીય છે કે, સફળ થયેલા કુલ 16 વિદ્યાર્થીઓમાં મોટાભાગે દીકરીઓનો સમાવેશ થવો ખાસ નોંધપાત્ર બાબત છે. દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહી છે તેવું આ પરિણામથી સકારાત્મક પ્રતિબિંબિત થાય છે અને સમાજમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતો સંદેશ પણ આપે છે.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી બિપિનકુમાર ડી. વસાવા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એ.જે. ગામીત તેમજ બીઆરસીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.
રાજ્ય સરકારની યોજના મુજબ આ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓ તેમજ આદિજાતિ વિભાગની શાળાઓ અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ શાળાઓમાં પ્રવેશ મેળવી વધુ સારા શિક્ષણની તક મળશે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિને પગલે વાલીઓ તથા સમગ્ર ગામમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. ધૂપી પ્રાથમિક શાળાની આ સફળતા અન્ય શાળાઓ અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
