વ્યારાના મદાવ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-સહ-પ્રદર્શનમાં ૧૦૦૦ થી વધુ ખેડૂતો-ગ્રામજનોની ઉપસ્થિતિ

Contact News Publisher

જિલ્લાના ખેડૂતો મહેનતની સાથે વૈજ્ઞાનિક સમજ કેળવી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે સમયની માંગ :- તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 11 :- તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના મદાવ ખાતે બુધવારે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ – વ – પ્રદર્શન યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૦૦૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાએ જણાવ્યુ કે, સરકાર છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા માટે પરિણામલક્ષી પ્રયાસ કર્યો છે. આપણો આદિવાસી સમાજ ખૂબ મહેનતુ છે, પરંતુ હવે સમયની માંગ છે કે મહેનતની સાથે વૈજ્ઞાનિક સમજ કેળવીને આપણે સૌ પ્રાકૃતિક ખેતી તરફ વળીએ.

વધુમાં તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિને વેગ મળી રહ્યો છે, ત્યારે આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે તાપી જિલ્લાના પ્રત્યેક ખેડૂત સ્વયં પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતોને પણ જાગૃત કરીએ તે અનિવાર્ય છે.

કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી.ડી. પંડ્યા, પશુવિજ્ઞાન નિષ્ણાત ડો. જે.બી. બુટાણી તેમજ મદદનીશ બાગાયત નિયામકશ્રી હિતેશભાઈ પુરોહિતે ઉપસ્થિત ખેડૂતો અને નાગરિકોને પ્રાકૃતિક કૃષિ, પાક સંરક્ષણ, વૈજ્ઞાનિક પશુપાલન અને વિવિધ બાગાયતી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ તકે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિતના મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતી, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. વિભાગના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટોલ પ્રતિનિધિઓને ગ્રામજનો સુધી સરકારી યોજનાઓની માહિતી અને લાભો વધુમાં વધુ પહોંચે તેવા પ્રયાસો કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમના પ્રારંભમાં ‘આત્મા’ પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી અલ્કેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા, જ્યારે અંતમાં ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ઘનશ્યામભાઈ ઢોલેએ આભારવિધિ સંપન્ન કરી હતી.

આ પરિસંવાદમાં સ્થાનિક જનપ્રતિનિધિ સર્વશ્રી સુમિત્રાબેન ગામીત, સીલીકાબેન ગામીત, સહિત સરપંચશ્રી, આમંત્રિત મહેમાનો, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *