સરકારની ગંગા સ્વરૂપા અને ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાથી વ્યારાની જિજ્ઞાશા બેનને મળ્યો નવા જીવનનો આધાર
“પતિના અવસાન બાદ દીકરી સાથે મુશ્કેલી વચ્ચે હિંમત ન હારી, યોજનાની સહાયથી આજે જિજ્ઞાશાબેન સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે
—
કોરોનાકાળની મુશ્કેલીમાં ગંગા સ્વરૂપ યોજનાની સહાય મોટો સહારો બની અને ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાથી જીવનમાં નવી શરૂઆત શક્ય બની”: જિજ્ઞાશાબેન પંચાલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૦. રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આવી યોજનાઓ અનેક મહિલાઓના જીવનમાં નવી આશા અને આત્મવિશ્વાસ જગાવી રહી છે. તાપી જિલ્લાના વ્યારા શહેરની જિજ્ઞાશાબેન પંચાલ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની ગંગા સ્વરૂપ યોજના તથા ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના જીવનમાં નવા માર્ગદર્શક તરીકે સાબિત થઈ છે.
જિજ્ઞાસાબેનના પતિનું વર્ષ ૨૦૨૦ દરમિયાન કોરોનાકાળમાં અવસાન થયું હતું. તે સમયે પાંચ વર્ષની નાનકડી દીકરીની જવાબદારી સાથે જીવન આગળ વધારવું તેમના માટે અત્યંત મુશ્કેલ બની ગયું હતું. કોરોનાકાળ દરમિયાન રોજગારની તકો પણ મર્યાદિત હતી અને પરિવાર માટે આર્થિક સંકટ ઉભું થયું હતું.
આવા મુશ્કેલ સમયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના તેમના માટે મહત્વપૂર્ણ સહારો સાબિત થઈ. આ યોજના હેઠળ મળતી દર મહિને રૂ.૧૨૫૦ની આર્થિક સહાય તે સમયે તેમની માટે ખૂબ મોટી મદદ બની. બેરોજગારી અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે આ રકમથી તેમને જીવન જીવવામાં થોડી રાહત મળી અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા હિંમત મળી.
ત્યાર બાદ પરિવારજનોના માર્ગદર્શન અને સલાહથી તેમણે પોતાની દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પુનઃલગ્ન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો. દીકરીને પિતાનું નામ મળે અને પરિવારને નવી દિશા મળે તે હેતુથી તેમણે જીવનમાં નવી શરૂઆત કરી.
આ સમયે મહિલા અને બાળ વિકાસ વિભાગની ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના હેઠળ તેમને રૂ.૫૦,૦૦૦ની આર્થિક સહાય મળતાં ફરી તેમના માટે તે મહત્વપૂર્ણ સહારો સાબિત થયો. આ સહાયથી તેમને નવા જીવનની શરૂઆત કરવા આત્મવિશ્વાસ મળ્યો અને આજે તેઓ પોતાની દીકરી સાથે સ્વમાનભેર જીવન ગુજારી રહ્યા છે.
જિજ્ઞાશાબેન મહિલા અને બાળ વિકાસ વિભાગ તાપીના અધિકારીઓ-કર્મચારીઓનો તેમજ રાજ્ય સરકારનો દિલથી આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે જણાવે છે કે સરકારની આ યોજનાઓ તેમના માટે મુશ્કેલ સમયમાં આશીર્વાદરૂપ બની છે.
રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ મારફતે અમલમાં મુકાયેલી ગંગા સ્વરૂપ યોજના હેઠળ પતિના અવસાન બાદ નિરાધાર થયેલી મહિલાઓને દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે. ઉપરાંત ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના હેઠળ વિધવા મહિલાઓને પુનઃલગ્ન માટે પ્રોત્સાહિત કરવા રૂ.૫૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજનાઓ મહિલાઓને આત્મનિર્ભર અને સન્માનભેર જીવન જીવવામાં મહત્વપૂર્ણ સહાયરૂપ બની રહી છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
