ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં સુર્ય ઉર્જા રૂફટોપ યોજના નું પ્રથમ સોલાર કનેકશન અપાયું
હવે ગુજરાતના નાગરિક વીજ વપરાશની સાથે વીજળી વેચી શકશે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો, સૌર ઉર્જા દ્વારા ઘરે જ વીજ ઉત્પાદન કરે અને જરૂર પૂરતી વીજળી વાપરી વધારાની વીજળી વેચી વીજબીલમાં રાહત તેમજ વધારાની આવક મેળવે એ શુભ આશયથી ગુજરાત સરકાર દ્વારા “સુર્ય ગુજરાત ” (સુર્ય ઉર્જા રૂફટોપ યોજના) અમલમાં મુકવામાં આવેલ છે ગુજરાત રાજ્યના તમામ ઘરોમાં અગાશીઓ ઉપર સોલર રૂફટોપ સ્થાપિત હોય તેવો સરકારે સંકલ્પ પણ કર્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં પ્રથમ વખત વઘઇ ના આગેવાન એવા ગૌતમભાઈ પટેલે પોતાના મકાનના ટેરેસ ઉપર સોલર રૂફટોપ નાંખવા માટે અરજી કરી હતી જે અરજીને લઈને ડાંગ જિલ્લામાં વઘઇ ખાતે ગૌતમભાઈ પટેલ ના મકાન ના ટેરેસ ઉપર સોલાર સિસ્ટમ ઉભી કરી ડીજીવીસીએલ દ્વારા પ્રથમ કનેકશન આપવામાં આવ્યુ છે વધુમાં ડીજીવીસીએલ દ્વારા જણાવાયું હતું કે માન્ય એજન્સીઓની યાદી દરેક વીજ વિતરણ કંપનીઓની વેબસાઈટ ઉપર તેમજ દરેક વીજ કચેરીએ ઉપલબ્ધ છે જયારે વધુ જાણકારી માટે વઘઇ ડીજીવીસીએલ કચેરીનો સંપર્ક કરવા જણાવાયું હતું.સુર્ય ઉર્જા રૂફટોપ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં પ્રથમ સોલાર કનેકશન ના શુભારંભ પ્રસંગે વઘઇ ના સરપંચશ્રી મોહનભાઇ ભોયે,દિનકર ગાવિત નાયબ ઈજનેર વઘઇ ડીજીવીસીએલ, પી.પી પંચાલ જુનીયર ઈજનેર ડીજીવીસીએલ , વઘઇ આગેવાન ગૌતમ ભાઈ પટેલ, તનવીર ખાન, ઈલ્યાસભાઈ સહિત ડીજીવીસીએલ ના કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો જ્યારે વઘઇ ડીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા સોલાર રૂફટોપ યોજના અને સબસિડી વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી જ્યારે ગૌતમભાઈ પટેલે ડીજીવીસીએલ ના તમામ કર્મીઓનો આભાર માન્યો હતો
સોલાર રૂફટોપ માટે સબસિડીની સુવિધા
રહેણાક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે પ્રથમ ત્રણ કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર ૪૦ % તેમજ ત્યાર બાદના ત્રણ કિલોવોટ થી વધુ અને ૧૦ કિલોવોટની ક્ષમતા સુધી સોલાર રૂફટોપ પર ૨૦ % સબસીડી મળશે. એટલે કે કોઇ અરજદાર ૧૧ કિલોવોટ સોલર સિસ્ટમની માંગણી કરે તો પ્રથમ ૩ કિલોવોટ ઉપર ૪૦ % અને પછીના ૭ કિલોવોટ ઉપર ૨૦% અને તે પછી ના ૧ કિલોવોટ પર ૦ % સબસીડી સબસીડી મળવા પાત્ર થશે.