કરંજ કેન્દ્ર સંલગ્ન ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતાં વિવિધ લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને લોકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાનાં શુભ હેતુસર નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ તથા મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં ઉપક્રમે દર વર્ષે 28 ફેબ્રુઆરીનાં દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ઓલપાડ તાલુકાનાં કરંજ કેન્દ્ર સંલગ્ન ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ કરંજ, પારડીઝાંખરી, મંદરોઈ, જીણોદ, મોર મુખ્ય તથા મીરજાપોરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કરંજ પ્રાથમિક શાળાનાં વિજ્ઞાન શિક્ષક નિલેશ પટેલે જણાવ્યું હતું કે કોઈપણ દેશની પ્રગતિ માટે સૌથી વધુ ફાળો વિજ્ઞાન જ આપે છે. તેમણે ઉમેર્યુ હતું કે આ વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ ‘વિજ્ઞાન ઉત્પ્રેરક વિકાસ ભારત’ છે. આ વર્ષે મહિલા વૈજ્ઞાનિકોની ભૂમિકા અને વિકસિત ભારતનાં નિર્માણમાં તેમનાં યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ તકે શાળાઓનાં વિજ્ઞાન શિક્ષકોએ ધોરણ 6 થી 8 નાં બાળકોને સી.વી. રામનનો પરિચય આપ્યો હતો. બાળકોએ તેમનાં માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન સંબંધિત વિવિધ ચાર્ટ, ચિત્ર, પ્રાયોગિક સાધનોનાં પ્રદર્શન સાથે અવનવા જીવંત પ્રોજેક્ટ રજૂ કર્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *