તાપી જિલ્લાની નારી શક્તિનું સુરક્ષા કવચ ‘૧૮૧ અભયમ’ મહિલા હેલ્પલાઈનના ૧૨ વર્ષ પૂર્ણ
181
અત્યાર સુધી કુલ ૨૧૧૩૭ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરી સલાહ-સૂચન અને માર્ગદર્શન અને સુરક્ષા પુરી પાડી
—-
વર્ષ ૨૦૨૫ દરમિયાન ૧૯૬૨ મહિલાઓએ ‘૧૮૧’ ની મદદ માંગી, ૪૨૫ કિસ્સામાં સ્થળ પર જ સુખદ સમાધાન
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.08 :-ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ૮મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ ના રોજ પોતાના સફળ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે. આજે રાજ્યની લાખો મહિલાઓ માટે ૧૮૧ અભયમ સંકટ સમયની સાચી સખી સાબિત થઈ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ હેલ્પલાઈન ગુજરાતની નારીને ‘અભય’ બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે.
તાપી જિલ્લામાં ૧૮૧ ‘અભયમ’ ટીમે છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લાના આંકડાઓ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં કુલ ૨૧૧૩૭ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરી સલાહ-સૂચન અને માર્ગદર્શન પૂરું પાડી સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. અત્યંત કટોકટીની પળોમાં તાપી જિલ્લાની અભયમ રેસ્ક્યુ વાને ઘટના સ્થળ પર પહોંચીને ૬૦૫૪ જેટલી મહિલાઓને પ્રત્યક્ષ મદદ કરી નવજીવન આપ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સહયોગથી કાર્યરત આ ટીમે તાપીની ભૌગોલિક સ્થિતિ વચ્ચે પણ ૨૪ કલાક પોતાની સેવાઓ અવિરત ચાલુ રાખી છે.
વર્ષ ૨૦૨૫ના ડેટા મુજબ, તાપી જિલ્લામાં કુલ ૧૯૬૨ જરૂરિયાતમંદ મહિલાઓના કોલ આવ્યા હતા, જેમાંથી ૬૦૧ કિસ્સાઓમાં રેસ્ક્યુ વાન સ્થળ પર મોકલવામાં આવી હતી. આ કેસોમાં ૪૨૫ મહિલાઓનું સ્થળ પર જ કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું, જ્યારે ૧૬૫ મહિલાઓને વધુ સુરક્ષા અર્થે વિવિધ આશ્રય ગૃહો કે સંસ્થાઓમાં રિફર કરવામાં આવી હતી. જિલ્લામાં ખાસ કરીને ઘરેલું હિંસાના ૯૧૧, શારીરિક-માનસિક હેરાનગતિના ૩૩૨ અને લગ્ન જીવનના વિખવાદોના ૨૩૬ કિસ્સાઓમાં અભયમની ટીમે મધ્યસ્થી બની પરિવારમાં ફરી શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે.
અભયમ સેવાની વિશેષતા તેની આધુનિક ટેકનોલોજી છે. ૧૮૧ મોબાઈલ એપમાં આપવામાં આવેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને ફોન કર્યા વગર પણ પોતાનું ચોક્કસ લોકેશન કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવાની સુવિધા આપે છે. તાપી જિલ્લાની મહિલાઓથી લઈને વિદ્યાર્થીનીઓ સુધી, સૌ કોઈ માટે આ હેલ્પલાઈન સુરક્ષાની ગેરંટી બની છે. મદદ માંગનાર મહિલાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવતી હોવાથી મહિલાઓ કોઈપણ ડર વગર પોતાની સમસ્યા રજૂ કરી રહી છે.
સમગ્ર ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૧૨ વર્ષમાં ૧૮.૧૦ લાખથી વધુ મહિલાઓને આ સેવા દ્વારા સશક્ત કરવામાં આવી છે. રાજ્યભરમાં દોડતી ૫૯ અત્યાધુનિક જીપીએસ સજ્જ રેસ્ક્યુ વાન અને તાલીમબદ્ધ કાઉન્સેલર્સની ટીમ અવિરત સેવા આપી રહી છે. તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ૧૮૧ અભયમ હેલ્પલાઈન માત્ર એક નંબર નથી, પરંતુ નારી ગૌરવ અને સુરક્ષાનો જીવંત દસ્તાવેજ બની ગઈ છે, જેના કારણે આજે ગુજરાતની દીકરીઓ આત્મવિશ્વાસ સાથે પ્રગતિના પંથે આગળ વધી રહી છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
