પ્રયોગોથી પ્રગતિ : ઓલપાડની પ્રાથમિક શાળાઓમાં ગાજ્યો “રામન પ્રભાવ”
ઓલપાડ તાલુકામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી: શિક્ષકો માટે ઓનલાઈન ક્વિઝ અને શાળાઓમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
________________________________
શિક્ષકો માટે ઓનલાઇન ક્વિઝ અને બાળકો માટે પ્રાયોગિક પ્રદર્શન: ઓલપાડ BRCનો નવતર અભિગમ.
________________________________
“જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી બંને વિજ્ઞાનના રંગે રંગાય ત્યારે જ સાચું શિક્ષણ ફળદાયી બને છે.” – BRC બ્રિજેશ પટેલ.
________________________________
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાનમય વાતાવરણ સર્જાયું હતું. બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા આ વર્ષે ટેકનોલોજી અને પ્રયોગાત્મક શિક્ષણનાં સમન્વય સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાનાં બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલનાં માર્ગદર્શન હેઠળ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકો માટે વિશેષ ‘ઓનલાઈન વિજ્ઞાન ક્વિઝ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિજિટલ સ્પર્ધામાં તાલુકાનાં વિજ્ઞાનપ્રેમી શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની વિષય સજ્જતાનો પરિચય આપ્યો હતો. ક્વિઝનાં અંતે સાયણ પ્રાથમિક શાળાનાં મહેન્દ્રસિંહ ચંપકસિંહ ગોહિલ પ્રથમ ક્રમે, રાજનગર પ્રાથમિક શાળાનાં કિંજલબેન પ્રવિણભાઇ પટેલ દ્વિતીય ક્રમે અને સાયણ સુગર પ્રાથમિક શાળાનાં જગદીશ પ્રજાપતિ તૃતિય ક્રમે વિજેતા જાહેર થયા હતાં.
તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન શિક્ષકોએ બાળકો સાથે મળીને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરી હતી, જેમાં પાઠ્યપુસ્તકનાં સિદ્ધાંતોને જીવંત પ્રયોગો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતાં. બાળકોએ જાતે પ્રયોગો કરીને વિજ્ઞાન પાછળનાં ‘કેમ અને કેવી રીતે’ નાં પ્રશ્નોનાં ઉત્તરો મેળવ્યા હતાં. શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ મોડેલ્સ, પર્યાવરણ સુરક્ષા અને સૌર ઊર્જાનાં પ્રોજેક્ટ્સનું પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રસંગે શિક્ષકોએ બાળકોને ડૉ. સી.વી. રામનનાં જીવન સંઘર્ષ અને તેમની વૈજ્ઞાનિક સિદ્ધિઓ વિશે રસપ્રદ માહિતી આપી વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતાં. આ સફળ આયોજન અંગે બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે “જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી બંને વિજ્ઞાનનાં રંગે રંગાય ત્યારે જ સાચું શિક્ષણ ફળદાયી બને છે.” સમગ્ર કાર્યક્રમની સફળતા માટે તાલુકાનાં તમામ સીઆરસી કો-ઓર્ડિનેટર્સ, વિજ્ઞાન શિક્ષકો અને શાળા પરિવારનાં સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
