આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ  : કેસુડાના ફૂલોની સુગંધમાં ખીલતી આદિવાસી બહેનોની આર્થિક સફર

Contact News Publisher

ફેબ્રુઆરીમાં પૂર્ણા સખી મંડળે કુલ રૂ. ૧.૧૦ લાખનું વેચાણ કર્યુ

ઉનાળાની ગરમીમાં કેસુડા-એલોવેરા સાબુની વધતી માંગથી આવકમાં મબલખ વધારો

કોકિલાબેને કહ્યું, સામાન્ય સિઝનમાં રૂ. ૩૦ હજાર અને ઉનાળામાં રૂ. ૪૫-૫૦ હજાર માસિક આવક

તાપીની ૧૦ બહેનોએ પૂર્ણા સખીમંડળ રચી શરૂ કર્યો પ્રાકૃતિક સાબુનો ગૃહઉદ્યોગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬. :- સવારની પહેલી ચા થી લઈને રાતના રસોડા સુધી, ઘરના અગણિત કામોને સરળતાથી પૂર્ણ કરતી સ્ત્રી વાસ્તવમાં એક કુશળ મલ્ટી-ટાસ્કર છે. ‘નારી તું નારાયણી’ સૂત્ર પણ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ તાપી જિલ્લાની આદિવાસી બહેનોએ આ શબ્દોને આર્થિક સશક્તિકરણની નવી પરિભાષા તરીકે પ્રસ્થાપિત કરી બતાવી છે.

તાપી જિલ્લાની વાત કરીએ, તો ડોલવણ તાલુકાના રેંગણકચ્છ ગામની આદિવાસી બહેનો માટે પ્રકૃતિમાં ખીલતા કેસુડાના ફૂલો આજે આર્થિક આત્મનિર્ભરતાનો આધાર બની ગયા છે. ટૂંકમાં કહીએ તો કેસુડાના ફૂલોની સુગંધમાં આદિવાસી બહેનોની આર્થિક સફર ખીલી રહી છે. ઘરના કામકાજ વચ્ચે સમય કાઢીને શરૂ કરાયેલો એક નાનો ગૃહઉદ્યોગ આજે તેમને સશક્ત અને આત્મનિર્ભરતાની દિશામાં અગ્રેસર કરી રહી છે.

દસ આદિવાસી બહેનોએ મળીને રચેલા પૂર્ણા સખી મંડળ એ પ્રાકૃતિક ઘટકોમાંથી સાબુ બનાવવાની શરૂઆત કરી અને આજે તે સ્થાનિક સ્તરે લોકપ્રિય બની રહ્યું છે. કુદરતી સુગંધ અને ત્વચા માટે ફાયદાકારક ગુણધર્મોને કારણે તેમના બનાવેલા સાબુઓને ગ્રાહકોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

રેંગણકચ્છ ગામની કોકિલાબેન ચૌધરી જણાવે છે કે, અમે દસ બહેનોએ મળીને સખી મંડળ બનાવ્યું અને RSETI માંથી સાબુ બનાવવાની તાલીમ લીધા બાદ અમે કેસુડા, એલોવેરા, લેમન, કેસર-ચંદન, લીમડો જેવા પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરીને સાબુ બનાવવાનું શરૂ કર્યું… સરકારી મેળાઓ અને ‘સહયોગ સખી સંઘ રેંગણકચ્છ’ ના સહકારથી અમને અમારા ઉત્પાદનો વેચવાનો સારો પ્લેટફોર્મ મળ્યો છે.

ઉનાળાની ગરમીમાં કેસુડાના ફૂલ ત્વચાને ઠંડક અને એલોવેરા ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખે છે, કુદરતી ગુણધર્મોને કારણે આ સાબુની માંગ ઉનાળાની સીઝનમાં ખાસ કરીને વધી જાય છે.

પૂર્ણા સખી મંડળ : વેચાણની ઝલક

વ્યારામાં ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાયેલા સ્વદેશી મેળામાં પૂર્ણા સખી મંડળનું અંદાજિત રૂ. ૭૦ હજાર તેમજ ફેબ્રુઆરી મહિનામાં કુલ રૂ. ૧.૧૦ લાખનું વેચાણ નોંધાયું હતું.

કોકિલાબેન જણાવ્યું કે, સામાન્ય સીઝનમાં મંડળની સરેરાશ માસિક આવક રૂ. ૩૦ હજાર જેટલી રહે છે, પરંતુ ઉનાળાની સિઝનમાં કેસુડાના સાબુની વધતી માંગને કારણે આવક રૂ. ૪૫ થી ૫૦ હજાર સુધી પહોંચી જાય છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ‘સહયોગ સખી સંઘ’ના સહયોગથી આ બહેનોને તાલીમ અને બજાર બંને મળ્યા છે. આ તકોનો લાભ લઈ કોકિલાબેન અને તેમની ટીમે વલસાડ, નવસારી અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં યોજાયેલા મેળાઓમાં પણ ભાગ લઈને પોતાની ઓળખ બનાવી છે.

ઘરના આંગણેથી શરૂ થયેલી આ સફર આજે આદિવાસી બહેનો માટે આત્મનિર્ભરતા અને સશક્તિકરણનું પ્રેરક ઉદાહરણ બની છે. પ્રકૃતિમાં ખીલતા કેસુડાના ફૂલોએ હવે તેમના જીવનમાં પણ સમૃદ્ધિના રંગ ભરી દીધા છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર તાપી જિલ્લાના આદિવાસી બહેનોની આ સફળતા એ સાબિત કરે છે કે યોગ્ય તક અને માર્ગદર્શન મળે તો ગ્રામ્ય સ્ત્રી પણ સ્થાનિક અર્થતંત્રને નવી દિશા આપી શકે છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *