કેવિકે વ્યારા ખાતે પોસ્ટ બજેટ વેબિનાર અંતર્ગત કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેંન્દ્ર ખાતે ૦૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. ટી. આર. અહલાવતની પ્રેરણા અને માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્મા અને ડૉ. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાના માર્ગદર્શન હેઠળ “પોસ્ટ બજેટ વેબિનાર” કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં તાપી જિલ્લાના કુલ ૨૦૦ થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સદર કાર્યક્રમમાં માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શનનુ જીવંત પ્રસારણ કેવિકે-તાપી ખાતે ખેડુતોએ નિહાળ્યું હતુ જેમા કૃષિ, પશુપાલન અને ડેરી, માછીમારી અને ગ્રામીણ રોજગાર જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી અને આ કાર્યક્રમમાં Union Budget 2026-27 માં જાહેર થયેલી કૃષિ અને ગ્રામિણ વિકાસ યોજનાઓને વાસ્તવિક રીતે કેવી રીતે અમલમાં મૂકવી તે અંગે સરકાર, ઉદ્યોગ, નિષ્ણાતો અને ખેડૂતો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. વિસ્તરણ શિક્ષણ નિયામક, ડૉ. એચ. આર. શર્મા દ્વારા ખેડૂતોને કૃષિક્ષેત્રમાં ગ્રામિણ રોજગાર વિશે માર્ગદર્શન આપી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જુદા જુદા કૃષિ આધારિત વ્યવસાયોની તકો વિશે માહિતી આપવામાં આવી હતી.
ડો. સી. ડી. પંડયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા દ્વારા તાપી જિલ્લામા પ્રવર્તમાન કૃષિ પધ્ધતિઓ વિશે જાણકારી આપી તેને અનુરૂપ કૃષિલક્ષી વ્યવસાયો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં તેમણે મહિલા સશક્તિકરણના વિવિધ પાસાઓ વિશે જાગૃતિ કેળવવા ઉપર ભાર આપ્યો હતો.
કુ. પ્રતિભા કોંકણી, ફાર્મ મેનેજર દ્વારા મહિલાઓનો કૃષિક્ષેત્રે ફાળો વિષય ઉપર માર્ગદર્શન આપી ખેડુતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન અને આભરવિધિ કેવીકેના પશુવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. જે. બી. બુટાણી દ્વારા કરવામાં આવ્યું હતુ.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
