ઉચ્છલ ખાતે ઉદ્યોગસાહસિકતા વિકાસ સેમિનારનું આયોજન :-૨૦૦થી વધુ યુવાનોને ઉદ્યોગ સ્થાપન માટે પ્રેરણા અપાઈ

Contact News Publisher

રાજ્ય કક્ષાના મંત્રી ડો. જયરામ ગામીતે યુવાનોને ‘વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને મજબૂત બનાવવા હાકલ કરી

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા.02. ઉચ્છલ ખાતે રાજ્યના ઉદ્યોગ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (સી.ઈ.ડી.) અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તાપી દ્વારા એક દિવસીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સેમિનાર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત ૨૦૦થી વધુ સ્થાનિક ઉદ્યોગસાહસિકો, યુવાનો અને મહિલાઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને આત્મનિર્ભર ભારતના વિઝન સાથે યુવાનોને ઉદ્યોગક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહી છે.

મંત્રીશ્રીએ ખાસ કરીને તાપી જિલ્લાના કૃષિ આધારિત સ્વરૂપનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં કેળા, પપૈયા સહિતના કૃષિ ઉત્પાદનોનું મોટા પાયે ઉત્પાદન થાય છે. આ ઉત્પાદનોમાંથી પ્રોસેસિંગ, પલ્પ, જ્યૂસ, પેકેજિંગ અને અન્ય વેલ્યુ એડિશન દ્વારા નવા સ્ટાર્ટઅપ શરૂ કરી શકાય છે. યુવાનો આત્મનિર્ભર બની અન્ય લોકોને રોજગારી પૂરી પાડી શકે તે માટે તેમણે પ્રેરણા આપી હતી.

વધુમાં તેમણે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપી રાજ્ય અને દેશને વધુ સક્ષમ બનાવવા તથા ‘વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા યુવાનોને આગળ આવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સંયુક્ત ઉદ્યોગ કમિશનરશ્રી, જનરલ મેનેજરશ્રી તથા નાયબ ઉદ્યોગ કમિશનરશ્રીએ સી.ઈ.ડી.ના વિવિધ તાલીમ કાર્યક્રમો અને સંસ્થાની નોંધપાત્ર સિદ્ધિઓ અંગે માહિતી આપી હતી. સાથે જ ગ્રીન, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ આંત્રપ્રેન્યોરશીપ જેવા નવા ક્ષેત્રોમાં ઉદ્યોગ વિકાસ પર વિશેષ ભાર મૂકવાની વાત કરી હતી.

સી.ઈ.ડી.ના નિયામક ડો. નીલકુમાર શ્રીમાળીએ ‘ભગવાન બિરસા મુંડા ઉદ્યોગસાહસિકતા પહેલ’ અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવા રાજ્ય કક્ષાના એક દિવસીય સેમિનારોનું આયોજન કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. અંતમાં તેમણે સંસ્થાની કામગીરીનો સંક્ષિપ્ત ચિતાર આપી ઉપસ્થિત તમામ મહાનુભાવોની આભારવિધિ કરી હતી.

અંતે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરાયા હતા.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લાના અગ્રણી સુરજભાઈ વસાવા, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, નાયબ ઉદ્યોગ કમિશનરશ્રી તાપી શ્રી ડી.ડી. સોલંકી, જનરલ મેનેજરશ્રી વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના શ્રી યજ્ઞેશ પાવાગઢી તથા શ્રી ધર્મેન્દ્ર પંડ્યા, ઓ.એસ.ડી. સી.ઈ.ડી., તાપી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, તજજ્ઞો, સી.ઈ.ડી.ના સફળ ઉદ્યોગકારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *