ઉચ્છલના માણેકપુર ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર યોજાયો

Contact News Publisher

વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પશુપાલન દ્વારા આવક વધારવા રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતનું આહ્વાન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 02: ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે પશુપાલન શાખા અને પશુ દવાખાનું માણેકપુરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક ક્ષેત્રો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વિવિધ સહાય અને સબસીડી યોજનાઓ અમલમાં છે, જેનો લાભ અંતિમ લાભાર્થી સુધી પહોંચે તે માટે અધિકારીઓએ સક્રિય ભૂમિકા નિભાવવી જોઈએ. તેમણે પશુપાલકોને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી આવકમાં વધારો કરવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાએ જણાવ્યું હતું કે સરકાર પશુપાલકોને સહાય આપવા પ્રતિબદ્ધ છે અને આધુનિક પદ્ધતિઓ અપનાવવાથી ઉત્પાદનક્ષમતા વધારી શકાય છે.

શિબિર દરમિયાન નિષ્ણાતોએ પશુપાલકોને પશુઓના પોષણ, આરોગ્ય સંભાળ, રસીકરણ અને સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું. સ્થળ પર પશુ આરોગ્ય તપાસ, સારવાર અને રસીકરણની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી સુરજભાઈ વસાવા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના સભ્ય માસુદાબેન, નાયબ પશુ અધિકારી એમ.એસ ડૉ. સૈયદ, ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન વળવી, માણેકપુર ગામના સરપંચશ્રી બિપિનભાઈ નાઈક સહિત અન્ય પદાધિકારીઓ, પશુપાલન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *