સુરત જિલ્લાની પીએમ શ્રી શાળાઓનું ભારત સરકારના જોઈન્ટ સેક્રેટરી શ્રી મનોજ ગંગેયા દ્વારા સઘન નિરીક્ષણ

Contact News Publisher

પીએમ શ્રી શાળાઓમાં શિક્ષણના નૂતન આયામો : જોઈન્ટ સેક્રેટરી શ્રી મનોજ ગંગેયાએ કામરેજ અને બારડોલીની શાળાઓની પ્રગતિ નિહાળી
________________________________

ભારત સરકારના ઉચ્ચ અધિકારી દ્વારા સુરતની પીએમ શ્રી શાળાઓનું સર્વગ્રાહી નિરીક્ષણ
_______________________________

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારત સરકારનાં મિનિસ્ટ્રી ઓફ કોલના જોઈન્ટ સેક્રેટરી આદરણીય શ્રી મનોજ ગંગેયા (IRTS) દ્વારા સુરત જિલ્લાની ‘પીએમ શ્રી’ (PM SHRI) શાળાઓની પ્રગતિ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) નાં ગ્રાઉન્ડ લેવલનાં અમલીકરણની સમીક્ષા અર્થે એક ઉચ્ચ સ્તરીય મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકારની આ મહત્વકાંક્ષી યોજના અંતર્ગત પસંદ થયેલી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા, ડિજિટલ સાક્ષરતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપલબ્ધ ભૌતિક સંસાધનોની સચોટ ચકાસણી કરવાનો હતો.
આ સઘન નિરીક્ષણ દરમિયાન શ્રી ગંગેયાએ કામરેજ તાલુકાની પીએમ શ્રી વાવ પ્રાથમિક શાળા અને બારડોલી તાલુકાની પીએમ શ્રી કન્યા પ્રાથમિક શાળાના શૈક્ષણિક વાતાવરણનું ઊંડાણપૂર્વક અવલોકન કર્યું હતું. તેમણે સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક કમ્પ્યુટર લેબ અને ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવેલી સુવિધાઓની પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી તથા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે તાર્કિક સંવાદ સાધીને તેમની વૈજ્ઞાનિક અભિરૂચિ અને પાયાની સાક્ષરતા (FLN) ના સ્તરની ચકાસણી કરી હતી.
આ ઇન્સ્પેક્શન ટીમમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરુણ અગ્રવાલ, ઓલપાડ તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી બ્રિજેશ પટેલ તથા સમગ્ર શિક્ષાનાં એકાઉન્ટ ઓફિસર શ્રી મેહુલ રાખોલીયા સત્તાવાર રીતે જોડાયા હતાં. મુલાકાત દરમિયાન ટીમ દ્વારા શાળાઓનાં વહીવટી પારદર્શિતાનાં પાસાઓ, ખાસ કરીને પીએમ શ્રી ગ્રાન્ટનો ટેકનિકલ માપદંડો મુજબનો સદુપયોગ અને નાણાંકીય શિસ્તની પણ ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી મનોજ ગંગેયાએ સુરત જિલ્લા શિક્ષણ વિભાગનાં સુવ્યવસ્થિત સંકલન અને પીએમ શ્રી શાળાઓને આધુનિક શૈક્ષણિક હબ તરીકે વિકસાવવાની પ્રતિબદ્ધતાની સરાહના કરી હતી, જે અન્ય જિલ્લાઓ માટે પથદર્શક બની રહેશે. રિપોર્ટ: વિજય પટેલ.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *