બાબરઘાટ ખાતે આજથી ‘પલાશ પર્વ-૨૦૨૬’નો પ્રારંભ : વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો

0
Contact News Publisher

નિઝર પ્રાંત અધિકારીશ્રી ઓમકાર શિંદેએ પર્વના આયોજન અંગે ઝીણવટભરી સમીક્ષા કરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 20. :- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આજથી તા. ૨૧-૨૨.૦૨.૨૦૨૬ બે દિવસીય ‘પલાશ પર્વ-૨૦૨૬’ ની ઉજવણી કરાશે.

નોંધનીય છે કે, એક દિન પૂર્વે શુક્રવારે પલાશ પર્વના સુચારુ આયોજન-વ્યવસ્થા બાબતે તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર અને નિઝર પ્રાંત અધિકારીશ્રી ઓમકાર શિંદેના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત વચ્ચે ઉજવણીની આનુષાંગિક તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો.

બેઠક દરમિયાન પર્વના સુચારુ આયોજન માટે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય સેવાઓ અને પાયાની તમામ પ્રાથમિક સુવિધાઓ અંગે વિભાગવાર જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

ઉત્સવ દરમિયાન મુલાકાતીઓની સંખ્યાને ધ્યાને રાખીને વાહન વ્યવહારનું યોગ્ય નિયમન અને પાર્કિંગની સુવ્યવસ્થિત વ્યવસ્થા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર અને અન્ય સંલગ્ન વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, બાબરઘાટ ખાતે સાંજે ૬.૩૦ કલાકે પલાશ પર્વનો શુભારંભ કરાશે.

રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત પ્રવાસન નિગમ અને તાપી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનારા બે દિવસીય ઉજવણીના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં મામલતદારશ્રી જે.એ. જીવાણી સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *