તાપી જિલ્લામાં ગુંજશે ‘હર ઘર સ્વદેશી’ નો નાદ : સ્થાનિક કલા-કૌશલ્યને મળશે પ્રોત્સાહન
વ્યારા અને સોનગઢ ખાતે ૮મી ફેબ્રુઆરીથી સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ
—
વ્યારા નગરપાલિકા ખાતે મળેલી બેઠકમાં સ્વદેશી મેળાના સુચારુ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.02. :- તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ વ્યારાના ચીફ ઓફિસર વંદનાબેન ડોબરીયા અને સોનગઢના ઇન્ચાર્જ ચીફ ઓફિસર એસ.બી. વનારે વ્યારા નગરપાલિકાના સભાખંડ ખાતે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત સ્થાનિક સ્વસહાય જૂથો, હસ્તકલાના કારીગરો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટેના સુચારુ આયોજન અંગે સમિતિના સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આગામી તા. ૦૮ થી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન વ્યારાના સયાજી ગ્રાઉન્ડ અને સોનગઢના રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ‘સ્વદેશી મેળા’ માં આવનાર મુલાકાતીઓ માટે ફૂડ કોર્ટ, ક્રાફ્ટ બજાર, ચિલ્ડ્રન પ્લે એરિયા અને સાંસ્કૃતિક ઝોન જેવા વિવિધ આકર્ષણો ઉભા કરવામાં આવશે.
આ બેઠક દરમિયાન અધિકારીઓએ સ્ટોલ્સનું વ્યવસ્થિત આયોજન કરવા ઉપરાંત પીવાનું પાણી, પ્રાથમિક આરોગ્ય સુવિધા અને મુલાકાતીઓની સુરક્ષા માટે પોલીસ વિભાગને જરૂરી તૈનાતી કરવા માટે સૂચનાઓ આપી હતી.
આ આઠ દિવસીય મેળામાં વિવિધ એક્ટિવિટી ઝોન દ્વારા જનજાગૃતિ અને મનોરંજનના કાર્યક્રમો પણ યોજાશે. વ્યારા અને સોનગઢના નગરજનો પોતાના પરિવાર સાથે આ મેળાનો લાભ લે અને સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખી સ્થાનિક કારીગરોની કલાને બિરદાવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
