માંગરોળનાં નાનીનરોલી ગામનાં શખ્સ ઉપર થયેલાં જીવલેણ હુમલામાં ત્રણ સામે FIR દાખલ કરી, આરોપીઓને વોન્ટેડ જાહેર કરતી માંગરોળ પોલીસ
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાના નાનીનરોલી ગામનાં મુસા ઇબ્રાહીમ પટેલ ઉપર એજ ગામનાં ત્રણ જેટલાં શખ્સોએ જીવલેણ હુમલો કર્યા હોવાનો બનાવ ગઈકાલે બન્યો હતો.
ભોગ બનનારના ભાઈ મોહમદ પટેલે સુરતની આશુતોષ હોસ્પિટલ ખાતે માંગરોળના પી.એસ.આઇ.પરેશ એચ. નાયીને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે મારો ભાઈ મુસા ઈબ્રાહીમ પટેલ કે જેમણે નાનીનરોલી વેલ્ફેર સ્કૂલની સામે આવેલી પાંચ જેટલી દુકાનો અને એની ઉપરનો માળ ગામનાં હનીફ અશરફ મલેક પાસેથી શાંતિલાલ કુમાવત સાથે ભાગીદારીમાં ખરીદી હતી, છેલ્લા કેટલાંક દિવસથી વેચનાર હનીફ મારા ભાઈ મુસાને ધાક ધમકી આપી દુકાનો પરત લેવા માંગતો હતો, જેથી મારો ભાઈ મુસા મોટરસાયકલ ઉપર નાનીનરોલી થી મોસાલી માર્ગ પર થઇ માંગરોળ પોલીસ મથક ખાતે ફરિયાદ આપવા જતાં હતા, તે દરમિયાન આજ ગામનાં હનીફ અશરફ મલેક, આમીર હનીફ મલેક,શાહનવાઝ હનીફ મલેકનાઓએ કારમાં મુસાભાઈ નો પીછો કરી, તડકેશ્વર થી મોસાલી તરફ આવતાં રાજ્ય ધોરીમાર્ગ ઉપર ઝાંખરદા ગામે કારે મુસાભાઈની મોટરસાયકલને ટક્કર મારતા મુસાભાઈ માર્ગની બાજુમાં ફંગોટાઈ ગયા હતા,ત્યારબાદ કારમાં આવેલા ઉપરોક્ત શખ્સોએ મુસાભાઈ ઉપર પાઈપો અને તલવાર વડે જીવલેણ હુમલો કરી, પગ ,પીઠ તથા હાથમાં તલવારના ઘા ઝીકી દીધા હતા.આ અંગેની જાણ ફરિયાદી મોહમદ પટેલને થતાં તેઓ પોતાની મોટરસાયકલ લઈને ઘટનાં સ્થળે જતાં મુસાભાઈ લોહી લુહાણમાં જમીન પર પડેલા હતા, જેથી એમને મારા ગામની એક મારૂતિવાન આવતાં એમાં માંગરોળ સરકારી રેફરેલ હોસ્પિટલ ખાતે લઈ જઈ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ૧૦૮ માં સુરતની આશુતોષ હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કર્યા છે,અને હાલમાં સારવાર હેઠળ છે, જેથી માંગરોળ પોલીસે ઉપરોક્ત ત્રણ શખ્સો સામે એફ.આઇ.આર. દાખલ કરી, આ ત્રણે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી, માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.