સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ દ્વારા ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત સંરક્ષક શ્રી, સંયોજક શ્રી, સંગઠન મંત્રી શ્રી અને મહામંત્રીશ્રી ના આદેશ અનુસાર સફાઈ અભિયાન, પ્લાસ્ટિક ઉપયોગના ગેરફાયદા, શૈક્ષણિક અને પર્યાવરણીય જાગૃતિ કાર્યક્રમ, પાણી,વીજળી ની બચત અને એના વિકલ્પ તરીકે સૂર્યઉર્જાનો સદુપયોગ કરવા તા.30/12/2025 મંગળવારે સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમ ગંગા સમગ્ર તાપી પ્રાંત,સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ, નગર પાલિકા સોનગઢ, માનવતા જાગૃત ટ્રસ્ટ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સોનગઢના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.
પર્યાવરણ જાગૃતિ માટેના આ કાર્યક્રમમાં વિધાર્થી જીવનથી જ જાગૃતતા કેળવી પોતાની ફરજો પ્રત્યે સજાગ રહી પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રસેવા માટે સમયનો સદુપયોગ કરી સફાઈ,જળ સંચય, પાણીના સંગ્રહ સ્થાનો ની સફાઈ સાથે જાળવણી, પ્લાસ્ટિક અવેરનેસ માટે જાગૃત બને એ મુખ્ય હેતુ હતો.
ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહ એ પર્યાવરણ નું માનવજીવનમાં મહત્વ સમજાવ્યું હતું. પ્રકૃતિ રક્ષણ માટે માનવી એ કરવાના પ્રયત્નો તરફ ધ્યાન દોર્યું હતું.ગંગા સમગ્ર તાપી પ્રાંતના અધ્યક્ષ શ્રી સુદામભાઈ સાટોટે એ જળસ્ત્રોતોની સ્વછતા અને જાળવણી માટે માર્ગદર્શન આપ્યું હતું. ભવિષ્યમાં પાણીની અછતને પહોંચી વળવા જળસંચય જ એક ઉપાય છે.તેનું મહત્વ સમજાવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓએ આગામી મકર સંક્રાંતિના તહેવારને લઈ પતંગના દોરા કે પતંગ ચગાવતી વખતે વીજ તારોથી દૂર રહેવા કે થાંભલા પર ના ચઢવા માટે ધ્યાન દોર્યું હતું. સાથે જ સોલર ઊર્જાના ફાયદા જણાવી વધુ ઉપયોગ કરવા માટે આગ્રહ કર્યો હતો. સોનગઢ નગર પાલિકા ના કોર્પોરેટર શ્રી કિશોરભાઈ ચૌધરી એ વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખીએ છીએ તેવીજ રીતે જાહેર સ્વછતાનું પણ ધ્યાન રાખી સ્વચ્છતાના આગ્રહી બનવા આહવાન કર્યું હતું. માનવતા જાગૃત ટ્રસ્ટના શ્રી આશિષભાઈ પ્રજાપતિ એ પ્લાસ્ટિક ના ગેરફાયદા દર્શાવી પ્લાસ્ટિક માનવજીવન માટે અને નિર્દોષ પ્રાણીઓ માટે કેટલું હાનિકારક છે અને તેનાં દૂરગામી પરિણામો કેટલાં ગંભીર હોય છે તેના પર ખાસ ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓની આચાર્યશ્રી સાથેની મુલાકાત દરમિયાન ની ચર્ચા વિચારણા થી આજના કાર્યક્રમ માટે આચાર્યશ્રી આશિષભાઈ ચૌધરીએ ખુબજ મોટી સંખ્યામાં વિધાર્થીઓને હાજર રાખી આ કાર્યક્રમ સફળ બનાવવામાં સિંહફાળો નોંધાવ્યો હતો. સાથેજ શિક્ષકગણ અને કર્મચારીઓનો સાથ સહકાર પણ ખુબજ સરાહનીય રહ્યો હતો. સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા અને દેશસેવાના પ્રયાસોને મહત્વ આપનાર અને આજના કાર્યક્રમને સફળ બનાવનાર પ્રત્યેક વ્યક્તિનો ગંગા સમગ્ર તાપી પ્રાંત ઋણ સ્વીકાર કરે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
