ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા SIRની કામગીરી અંતર્ગત માનસિક ત્રાસ અનુભવતાં શિક્ષકો અને આત્મહત્યા જેવી દુઃખદ ઘટના બાબતે રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને લેખિત રજૂઆત
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હાલ સમગ્ર રાજયમાં SIR ની કામગીરી ચાલી રહેલ છે જેમાં સૌથી વધુ પ્રાથમિક શિક્ષકો જ BLO તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જેઓને કામગીરી ઝડપથી કરવા માટે તંત્ર તરફથી ખૂબ જ દબાણ અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જેનાં કારણે સાબરકાંઠા, ખેડા અને ગીરસોમનાથનાં પ્રાથમિક શિક્ષકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આજે ગીરસોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં શિક્ષક અરવિંદભાઈ વાઢેરે SIR ની કામગીરીનાં માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ વધુમાં કહેતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં SIR ની ઑનલાઈન કામગીરી ઝડપથી કરવા શિક્ષકોને સમય જોયા વગર રાત્રે મોડા સુધી બેસાડી રાખવામાં આવે છે. જેમાં શિક્ષિકા બહેનોને પારિવારીક જવાબદારી પણ હોય તેમ છતાં ધમકાવવામાં આવે છે. ફોર્મ ઉપર BLO નાં મોબાઈલ નંબર છાપેલ હોવાનાં કારણે મોડી રાત્રે પણ નાગરિકો શિક્ષિકાઓને ફોન કરી અભદ્ર ભાષા પ્રયોગ કરી પરેશાન કરવાની પણ ઘટનાઓ બનેલ છે. એકસાથે સમગ્ર રાજયમાં કામગીરી થતી હોય સર્વર ધીમુ ચાલે છે. વારંવાર BLO ની મિટીંગો બોલાવવાથી સમયનો વ્યય થાય છે. અન્ય કર્મચારીઓનો પૂરતો સહકાર પણ મળતો નથી. BLO ઉપર દરેક અધિકારી દ્વારા માત્ર પ્રેશર જ અપાય એ યોગ્ય નથી.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ એવાં કિરીટભાઈ પટેલ પાસેથી મળતી માહિતી અનુસાર આજરોજ ગાંધીનગર ખાતે રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને ઉપરોક્ત વિટંબણાઓ પરત્વે જે લેખિત રજૂઆત કરવામાં આવી તે આ મુજબ છે.
(૧) એક જ લોગીનથી ઑનલાઈન થાય છે જેનાં બદલે પહેલાની જેમ બીજા બે થી ત્રણ લોગીનનો એકસેસ આપવામાં આવે. (૨) સાંજે મોડે સુધી શિક્ષક/ શિક્ષિકાને બેસાડી ન રાખવામાં આવે (૩) ઑનલાઈન કામગીરી અન્ય કર્મચારીઓ કે જેઓ કોમ્પ્યુટર અને ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરી શકતા હોય તેવાં અથવા આઉટ સોર્સિંગનાં યુવાનો પાસે કરાવવામાં આવે. (૪) આ કામગીરી દરમિયાન અમારા જે શિક્ષકોનાં મૃત્યુ થયા છે તેઓનાં પરીવારને એક કરોડની સહાયની અમો માંગણી કરીએ છીએ. (૫) SIR કામગીરીની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે. (૬) સર્વરને અપડેટ કરવામાં આવે. (૭) શિક્ષકો સાથે શિક્ષકની ગરીમા જળવાય એ રીતે વ્યવહાર કરવા માટે સૂચના આપવામાં આવે. (૮) SIR કામગીરી માટે ઈન્સ્ટ્રુમેન્ટ અને ડેટા રિચાર્જ કરી આપવામાં આવે. (૯) શિક્ષકોને નોટીસ આપી ધમકાવવાની અને ધરપકડ કરવાની માનસિકતા છોડી તમામ નોટીસો પાછી ખેંચવામાં આવે.
આ સાથે સદર પત્ર રાજ્યનાં શિક્ષણમંત્રીશ્રી ડૉ. પ્રઘુમનભાઈ વાજા, રાજ્ય કક્ષાનાં શિક્ષણમંત્રીશ્રી રિવાબા જાડેજા સહિત અગ્ર સચિવશ્રી, પ્રાથમિક શિક્ષણ તથા નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, ગુજરાત રાજય, ગાંધીનગરને સાદર રજૂ કરેલ છે. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
