એકતા દિવસની ઉજવણી પ્રસંગે “દોડશે તાપી જોડશે ભારતની” થીમ હેઠળ વ્યારા ખાતે “રન ફોર યુનિટી”નું આયોજન કરાયું
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિને સમર્પિત કાર્યક્રમમાં અધિકારીઓ, પોલીસકર્મીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો તથા નાગરિકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી
ઉપસ્થિત સૌએ એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા શપથ ગ્રહણ કર્યા
મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી રન ફોર યુનિટી દોડને પ્રસ્થાન કરાવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૧. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા પોલીસ તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની સંયુક્ત આગેવાની હેઠળ “દોડશે તાપી જોડશે ભારતની” થીમ હેઠળ વ્યારા ખાતે “રન ફોર યુનિટી” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જશુભાઈ દેસાઈ સહીત નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડે લીલી ઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવી હતી.“એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના સૂત્ર સાથે યોજાયેલ આ દોડ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, પોલીસકર્મીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ વ્યારાનગરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ દોડ વ્યારા શહેરના રામ તળાવ ગાયત્રીમાતા મંદિરથી શરૂ થઈ, શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતા ફરી ગાયત્રીમાતા મંદિરે સમાપ્ત થઈ હતી.
મહાનુભાવો સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. સૌ ઉપસ્થિતોએ સરદાર વલ્લભભાઈના અવિસ્મરણીય યોગદાનને યાદ કરી એકતા,સમરસતા અને રાષ્ટ્રપ્રેમ ના મૂલ્યોને જીવનમાં ઉતારવાના શપથ ગ્રહણ કર્યા હતા.
આ અવસરે જિલ્લા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ,વ્યરાનગરના આગેવાનો, પોલીસ જવાનનો, ડીએલએસએસના વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
