બેન્કની નોકરી છોડી, પ્રાકૃતિક ખેતી અપનાવી: પ્રતિકભાઈ ચૌધરીએ સરકારી સહાયથી ‘વેલ્યુ એડિશન’ કરી વાર્ષિક ૫ લાખથી વધુની આવક મેળવી !
રાજ્ય સરકાર પ્રેરિત ‘ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી’ના માર્ગે પ્રતિકભાઈની આર્થિક ક્રાંતિ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના યુવા ખેડૂત પ્રતિકભાઈ ચૌધરીની સફળતાની ગાથા સાબિત કરે છે કે જોખમ લેવાની હિંમત, આધુનિકતા અને સરકારી યોજનાઓનો યોગ્ય લાભ લેવામાં આવે તો ખેતી પણ એક સમૃદ્ધ વ્યવસાય બની શકે છે. બેન્ક ઓફ બરોડાની કાયમી નોકરી છોડીને માત્ર ૧.૫ વીંઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરનાર પ્રતિકભાઈ આજે સફળતાનો પર્યાય બન્યા છે.
પ્રતિકભાઈની આર્થિક સફળતાનું મૂળ રાજ્ય સરકાર દ્વારા વ્યાપકપણે પ્રોત્સાહિત કરાયેલી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિમાં રહેલું છે. તેઓ તેમના માતાના માર્ગદર્શન હેઠળ ગાય આધારિત ખેતી કરે છે અને કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશકનો ઉપયોગ કરતા નથી. પ્રતિકભાઈ ગર્વથી જણાવે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી આજે તેમને વાર્ષિક રૂ. ૫ લાખ કરતાં પણ વધારે આવક થાય છે, જ્યાં ‘ગ્રોસ ઇન્કમ (કુલ આવક) = નેટ ઇન્કમ (ચોખ્ખી આવક)’ જેવું સમીકરણ સાબિત થાય છે. આ પદ્ધતિ અપનાવવાથી તેમનો ખર્ચ શૂન્ય થયો અને ૧૦-૧૨ વર્ષ પહેલાંની રૂ. ૫૦ હજારની આવકની તુલનામાં આવક અનેકગણી વધી ગઈ.
પ્રતિકભાઈની આ સફળતામાં બાગાયત વિભાગની યોજનાઓનો મોટો ફાળો છે. તેમણે સરકારી સહાય મેળવીને ડ્રાયર મશીન ખરીદ્યું, જેના માટે તેમને રૂ. ૧.૭૫ લાખ જેટલી સહાય મળી હતી. આ ડ્રાયર મશીનના ઉપયોગથી તેઓ પોતાના સીડલેસ લેમનમાંથી લીંબુનો પાવડર, સરગવાનો પાવડર અને વિવિધ અથાણાં બનાવીને ‘વેલ્યુ એડિશન’ કરે છે.
આર્થિક સદ્ધરતા આવતા પ્રતિકભાઈએ ખેતી અને પરિવારના ઉપયોગ માટે પીક અપ ટેમ્પો, ક્રેટા, અલ્ટો અને ટુ વ્હીલર જેવા વાહનો પણ વસાવ્યા છે. આ તમામ બાબતો ગુજરાત સરકારના ખેડૂત કલ્યાણના પ્રયાસો અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના વિઝનને મૂર્તિમંત કરે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
