‘સેજલબેનનું સપ્તરંગી શિક્ષણ’ : વ્યારાની માયપુરના શિક્ષિકાના પ્રેરણાદાયક પ્રયોગના અદ્ભુત પરિણામો

Contact News Publisher

મેઘધનુષના સપ્તરંગોને લઈને હોશિયાર અને નબળા બાળકોના વિવિધ ગ્રુપો બનાવ્યા: આ બાળકો એકબીજાને મદદ કરી ગ્રુપો વચ્ચે સ્પર્ધા કરે છે

સાફલ્યગાથા, : જો શિક્ષણમાં પ્રેમ અને સર્જનાત્મકતા ઉમેરો, તો દરેક બાળક એક મેઘધનુષ બની જાય: સેજલબેન ચૌધરી

આ પ્રયોગથી બાળકોમાં અત્યારથી ટીમ સ્પિરિટ, લીડરશીપ જેવા કૌશલ્યોનો વિકાસ થયો છે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૩. તાપી જિલ્લાના વ્યારા તાલુકાની એક સામાન્ય સરકારી શાળામાં, છેલ્લા ૧૫ વર્ષથી ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રીમતી સેજલબેન ચૌધરીએ જ્ઞાન સરિતા પ્રોજેક્ટ અંતર્ગત સપ્તરંગી શિક્ષણનો અનોખો નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

ધોરણ ૬ થી ૮ ના ૫૪ વિદ્યાર્થીઓને ‘મેઘધનુષ’ના સપ્તરંગો VIBGYOR જાનીવાલીપીનારા મુજબ સાત જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં ૭ થી ૮ બાળકોનો સમાવેશ કર્યો અને એક હોશિયાર વિદ્યાર્થીને ‘બડી/મિત્ર’ તરીકે પસંદ કરાયો, જે પોતાના ગ્રુપના અન્ય ઓછા હોશિયાર બાળકોને શીખવે, માર્ગદર્શન આપે છે.

આ બડી સિસ્ટમ દ્વારા ઓછા હોશિયાર વિદ્યાર્થીઓને સારું વાતાવરણ મળ્યું, અને સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ગુણો વિકસ્યા. દર શનિવારે ૨૫માંથી ૨૫ ગુણ મેળવનાર અને સુધારો દર્શાવનાર વિદ્યાર્થીઓને બેજ (પ્રશંસા ટોકન) થી સન્માનિત કરવામાં આવે છે.

આ અંગે વાત કરતા શિક્ષિકા સેજલબેને જણાવ્યું હતું કે જો શિક્ષણમાં પ્રેમ અને સર્જનાત્મકતા ઉમેરો, તો દરેક બાળક એક મેઘધનુષ બની જાય. આ પ્રેરણાદાયક પ્રયોગના અદ્ભુત પરિણામો મળ્યા છે. અગાઉ ગણિતથી દૂર ભાગતા બાળકો હવે પ્રશ્નો પૂછે છે. બધા ગ્રુપ વચ્ચે સ્વસ્થ સ્પર્ધા થાય છે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને બાળકો શીખવાનો આનંદ માણે છે.

સેજલબેનના આ નવતર પ્રયોગે બતાવ્યું કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત નથી, પણ રંગો જેવી વિવિધ ક્ષમતાઓનું એકતામાં રૂપાંતર કરવાનું એક સુંદર સાધન છે. આજે સેજલબેનની શાળા માત્ર ગણિત શીખવતી નથી પરંતુ તે બાળકોને સાથે મળીને શીખવા, આગળ વધવા અને એકબીજાને સાથ સહકાર આપી ઊંચા લક્ષ્યો સિદ્ધ કરવા પ્રેરિત કરે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *