તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા મિશન લાઈફ અભિયાન અંતર્ગત વ્યારામાં લાઈફ મેરેથોન યોજાઈ
મેરેથોનમાં પ્રજા-તંત્રની સંયુક્ત ભાગીદારી બદલ આભાર વ્યક્ત કરતાં તાપી કલેક્ટર
મહારાષ્ટ્રમાંથી પણ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો
વિજેતા સહિત બાળકો, સિનિયર સિટિઝનનું સરપ્રાઈઝ ગિફ્ટ આપીને ઉત્સાહવર્ધન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨. :- ‘મિશન લાઈફ’ અભિયાન અંતર્ગત તા. ૧૨ ઑક્ટોબર ૨૦૨૫ ના રોજ જિલ્લા સેવા સદનના પરિસરથી ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ ‘સ્મોલ સ્ટેપ, બિગ ઇમ્પેક્ટ’ લાઈફ મેરેથોન તાપી ૨૦૨૫ ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે કલેક્ટરશ્રી ડો. વીપીન ગર્ગે જણાવ્યું કે, મિશન લાઈફ હેઠળ તાપી ફન ફેસ્ટ તથા લાઈફ મેરેથોન તાપી ૨૦૨૫ નો આશય લોકોમાં પર્યાવરણની જાળવણી અને તંદુરસ્ત જીવનશૈલીને અપનાવવા માટે નાગરિકોને જાગૃત કરવાનો હતો, ત્યારે મને ખુશી થાય છે કે, આ કાર્યક્રમમાં તાપી જિલ્લા સહિત આસપાસના જિલ્લા તેમજ મહારાષ્ટ્રમાંથી સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી છે. વધુમાં શ્રી ગર્ગે નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે સૌને અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, જિલ્લા સમાહર્તા ડો. વીપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા અને પ્રાયોજના વહીવટદારશ્રી જયંતસિંહ રાઠોરે સ્વયં વિવિધ કેટેગરીની મેરેથોનમાં સહભાગી થઈને જિલ્લાના નાગરિકોને આદર્શ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
“સ્મોલ સ્ટેપ, બિગ ઈમ્મોપેક્ટ” થીમ પર આધારિત ૨૧, ૧૦ અને ૫ કિ.મી. મેરેથોનમાં મહિલાઓ-બાળકો, યુવાનો, વડિલો સહિત વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો. વિજેતા સ્પર્ધકોને મેડલ-પ્રાઈઝમ અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. સ્પર્ધકોએ પણ પર્યાવરણ સંરક્ષણ અને જીવનશૈલીમાં બદલાવ માટે નાગરિકોને અનુરોધ કર્યો હતો.
ઓરકેસ્ટ્રાની ટીમે દેશભક્તિનો માહોલ જમાવ્યો, તો ઝુંબા ટીમે કર્યું સ્પર્ધકોનું ઉત્સાહવર્ધન
મેરેથોનનાં પ્રારંભે ઝુંબા ટીમના ઉત્સાહભર્યા ડાન્સ પરફોર્મન્સ દ્વારા લેનારાઓમાં જુસ્સો વધારવામાં આવ્યો હતો. જુનિયર એનસીસી કેડેટ્સ દ્વારા બેન્ડ પાર્ટીના માધ્યમથી ખેલાડીઓના મનોબળમાં વધારો કરાયો હતો, જ્યારે ઓરકેસ્ટ્રાની ટીમે દેશભક્તિભર્યા ગીતોથી સમગ્ર કાર્યક્રમમાં ઉમંગનો માહોલ સર્જ્યો હતો. માત્ર વિજેતા જ નહીં, પરંતુ ઉત્સાહ સાથે મેરેથોનમાં ભાગ લેનારા નાના બાળકો, સિનિયર સિટીઝનોને પણ સરપ્રાઈઝ ગિફ્ટ આપીને સન્માનિત કરાયાં હતાં.
મિશન લાઈફ અંતર્ગત આયોજિત “તાપી ફન ફેસ્ટ ૨૦૨૫” અને “લાઈફ મેરેથોન ૨૦૨૫” નો મુખ્ય આશય તાપી જિલ્લાના પ્રત્યેક નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મિલેટ્સ (શ્રી અન્ન) આહાર અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો પ્રેરક સંદેશ પહોંચાડવાનો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
