કેવિકે તાપી દ્વારા પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત કિસાન જાગરૂકતા તાલીમ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત તાપી જીલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે તા. ૧૧/૧૦/૨૦૨૫ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત કિસાન જાગરૂકતા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા તાપી જિલ્લાના જુદા જુદા ગામોમાંથી અંદાજિત ૧૫૫ જેટલા ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડ્યાએ ઉપસ્થિત મહેમાનો અને ખેડૂતોને આવકારી પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના, કઠોળ પાકો અને પ્રાકૃતિક ખેતી પર રાષ્ટ્રીય જુંબેશની ઝાંખી, ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે જાણકારી આપી જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં તેમણે સદર યોજના થકી ભવિષ્યમાં ખેડૂતોને કૃષિક્ષેત્રે થતા ફાયદાઓ વિષે અવગત કર્યા હતા. આ ઉપરાંત તેમણે ન.કૃ.યુ. દ્વારા સંશોધિત નવિનતમ જાતોનો મહ્ત્તમ ઉપયોગ કરવાની ખેડૂતોને ભલામણ કરી હતી.

ડો. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા તાપી જીલ્લામાં રબી ઋતુ દરમિયાન થતા જુદા જુદા કઠોળ પાકોના વાવેતર સમયે ધ્યાનમાં રાખવામાં આવતા જરૂરી મુદ્દાઓ વિષે ખેડૂતોને જાણકારી આપી હતી. કુ. પ્રતિભા કોંકણી (ફાર્મ મેનેજર) દ્વારા જમીન આરોગ્ય વ્યવસ્થાપન, પાક ઉત્પાદન પ્રણાલી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના બજાર વ્યવસ્થાપન વગેરે જેવા વિષયો ઉપર વિસ્તારપૂર્વક છણાવટ કરી હતી. ડો. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુવિજ્ઞાન) દ્વારા બદલાતા જતા વાતાવરણની કૃષિમાં થતી અસરો અને તેના નિવારણ માટેના જરૂરી ઉપાયો ખેડૂતો સમક્ષ રજુ કર્યા હતા.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એવું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ન્યુ દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું જેનું જેનુ જીવંત પ્રસારણ સદર કેન્દ્ર ખાતે ખેડૂતોને બતાવવામાં આવ્યું હતું.

વધુમાં ખેડૂતોને કેવિકે ખાતેના પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત તથા કેવિકેના વિવિધ નિદર્શન એકમોની મુલાકાત કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતો દ્વારા કાર્યક્રમ અંગેના પોતાના પ્રતિભાવો આપી પ્રાકૃતિક ખેતીમાં વધુમાં વધુ ખેડૂતોને સાંકળી લેવા પ્રતિજ્ઞા લીધી હતી.

કાર્યક્રમના અંતે ખેડૂતોને મુંજવતા પ્રશ્નોનુ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડો. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુવિજ્ઞાન) દ્વારા કરવામાં આવી હતી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *