કે.વિ.કે. તાપી અને ગુજરાત માટીકામ કલાકારી રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા બરડીપાડા ખાતે ‘ડેકોરેટીવ મીણબત્તીની બનાવટ’ વિષય પર વ્યવસાયિક તાલીમ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ(ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે કાર્યરત છે. સદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગુજરાત માટીકામ કલાકારી રુરલ ટેકનોલોજી સંસ્થા, ગુજરાત સરકાર, સેન્ટર-બાજીપુરાના સંયુક્ત ઉપક્રમે તા.૨૫/૦૯/૨૦૨૫ થી તા.૦૯/૧૦/૨૦૨૫ દરમ્યાન ન.કૃ.યુ., નવસારીના માનનીય કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ ડોલવણ તાલુકાના બરડીપાડા ગામે ૧૫ દિવસીય કૌશલ્ય વિકાસ તાલીમ (વ્યવસાયિક તાલીમ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યવસાયલક્ષી તાલીમમાં બરડીપાડા અને હરીપુરા ગામની કુલ ૩૦ આદિવાસી યુવામહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
સદર વ્યવસાયિક તાલીમમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી.ડી પંડ્યાના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગના પ્રો. આરતી એન. સોનીએ ઉપસ્થિત તાલીમાર્થીઓને કૌશલ્ય વિકાસ તાલીમનું મહત્વ સમજાવતા જણાવેલ કે સદર તાલીમ દ્વારા વિવિધ પ્રકારની ડેકોરેટીવ મીણબત્તી બનાવી તેનો ગૃહઉધોગ શરૂ કરી આવક ઉપાર્જન મેળવવું જોઇએ જેથી કુટુંબના સામાજિક-આર્થિક સ્તરમાં સુધારો લાવી શકાય. વધુમાં, તેમણે ઉધોગ સાહસિક્તા વિકાસ અને બજાર વ્યવસ્થા અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
કાર્યક્રમમાં ગુજરાત માટીકામ કલાકારી રુરલ ટેકનોલોજી સંસ્થાના શ્રી દિપકભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તેઓની સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને તેમણે તાલીમાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા નિયત કરાયેલ સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે તેવું જણાવી તેઓને ગૃહઉદ્યોગ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જેથી સ્ટાઇપન્ડની રકમ દ્વારા જરૂરી કાચોમાલ ખરીદ કરી શકાય. તાલીમમાં સદર સંસ્થા દ્વારા ઇન્સ્ટ્ર્કટર તરીકે શ્રીમતી ચાંદનીબેન અને હેલ્પર તરીકે શ્રીમતી નેહાબેન ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને વિવિધ પ્રકારની ડેકોરેટિવ મીણબત્તીનું પદ્ધતિ નિદર્શન કરી વિસ્તૃતમાં માહિતી પૂરી પાડી તાલીમાર્થી મહિલાઓ પાસે પણ મીણબત્તી બનાવટનો પ્રેક્ટીકલ કરી શીખવવામાં આવ્યું હતું
જીવન વહળ ટ્રસ્ટ, બરડીપાડાના સિસ્ટર નિશાએ પણ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં જીવનદીપ મહિલા બચત કરનારી સહકારી મંડળીના પ્રમુખ શ્રીમતી ઇન્દુબેન ચૌધરી અને મંત્રી શ્રીમતી મધુબેન કોંકણીએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે, તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સદર કાર્યક્રમનું સમગ્ર સંચાલન કેન્દ્રના ગૃહવૈજ્ઞાનિક શ્રીમતી આરતીબેન સોનીએ કર્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
