કે.વી.કે. વઘઈ ખાતે “ટેક્નોલોજી વીક” ની ઉજવણી કરવામાં આવી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉ. ઝેડ. પી. પટેલ સાહેબ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. હેમંત શર્મા અને કે.વી.કે., વઘઈ ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલતા કે.વી.કે., વઘઈ દ્વારા તા. ૨૨/૦૯/૨૦૨૫ થી તા. ૨૬/૦૯/૨૦૨૫ ના દરમિયાન “ટેક્નોલોજી વીક” તેમજ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ તાલીમની ઉજવણી શ્રી. હર્ષદ પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ કે.વી.કે., વઘઈ ખાતે કરવામાં આવી હતી. આ ટેક્નોલોજી વીક ની ઉજવણી અંતર્ગત શ્રી. વિજયભાઈ પટેલ (માનનીય નાયબ દંડકશ્રી, ગુજરાત વિધાનસભા તથા ધારાસભ્યશ્રી આહવા-ડાંગ) ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમણે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય તે માટે આહવાન કર્યું હતું તથા એકબીજાના સહકારથી એકજૂથ થઈને પ્રાકૃતિક ખેત પેદાશોનું માર્કેટિંગ કરવા પર ભાર મૂક્યો હતો. ટેક્નોલોજી વીક ના દરેક દિવસની થીમ પ્રમાણે એગ્રીકલ્ચર, બાગાયત, ફોરેસ્ટ્રી તેમજ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાતો ને આમંત્રણ આપી ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમ્યાન ખેડૂતોમાં આધુનિક ખેતી અંગેનું માર્ગદર્શન મેળવી ઓછા ખર્ચે વધુ આવક મેળવે તેવા શુભ આશયથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઈ (ડાંગ) દ્વારા વિવિધ કૃષિ પ્રદર્શન-વ-પરિસંવાદ, કૃષિ મેળો, ખેડુત શિબિર, કિસાન ગોષ્ઠી, વ્યાખ્યાન, એક્ઝીબીશન, ફીલ્મ શો, ફાર્મ વિઝીટ, ડાયગ્નોસ્ટીક પ્રેકટાઈસીસ, મેથડ ડેમોસ્ટ્રેશન, ફોલ્ડર વિતરણ વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેક્નોલોજી વીક દરમિયાન જીવામૃત, બીજામૃત તેમજ અગ્નિઅસ્ત્ર જેવા પ્રાકૃતિક ખાતરો અને પ્રાકૃતિક રસાયણો બનાવતા ખેડૂતોને શીખવવામાં આવ્યું હતું. તથા પ્રાકૃતિક ખેતીના નિદર્શન ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણીની સાથે સ્વચ્છતા હિ સેવા તેમજ પોષણ માહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેક્નોલોજી વીક અંતર્ગત ડૉ. હેમંત શર્મા, ડૉ. એમ. બી. ટંડેલ, ડૉ. અજય પટેલ, ડૉ. પરેશ વાવડીયા, ડૉ. મહાવીર ચૌધરી, શ્રી. સંજય ભગરીયા, શ્રી. બાલુભાઈ પટેલ તેમજ શ્રી. તુષારભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમમાં ૧૫૫૦ થી પણ વધારે જેટલા પુરુષ તથા મહિલા ખેડૂતોએ હાજરી નોંધાવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
