પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ-ઉચ્છલ દ્વારા રસ્તા મરામત સહિતની અન્ય કામગીરી હાથ ધરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે જાહેર રસ્તાઓને ભારે નુકસાન થયું હતું, પરંતુ હાલે વરસાદ ઓછો થતા, જિલ્લા પંચાયત તાપીની બાંધકામ શાખા દ્વારા તરત સંજ્ઞાનમાં લઈ પૂર્વ આયોજન કરી નુકસાન પામેલ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર તાપી પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ ઉચ્છલ દ્વારા ડામર પેચ, ઝાડી-ઝાંખરા કટિંગ અને નાળા રંગવાની કામગીરી પુર જોશમાં શરૂ કરવામાં આવતા ગ્રામજનોને રસ્તા પર અવરજવરમાં થતી મુશ્કેલીઓ દૂર થઈ હતી.
ચોમાસાના વરસાદે વિરામ લીધા બાદ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) પેટા વિભાગ ઉચ્છલ દ્વારા યુદ્ધના ધોરણે પૂર્વ આયોજન કરી ડામર પેચથી રસ્તાઓના મરામતની કામગીરી શરૂ કરી ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટે બાંયો ચડાવી છે. તાપી જિલ્લાના ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના ગામડાઓ જેવા સેલુડ, આનંદપુર, ઝરણપાડા, મિરકોટ, થુટી, સાકરદા, કટાસવાણ, ભીંતબુદ્રક, બાબરઘાટ, લાલમાટી (સુંદરપુર), આમકુટી, કુંભરાડ, ભિલજાંબોલી, રાયગઢ, બાલ્દા, બહુરુપા, મોંરબા જેવા અનેક ગામોમાં વરસાદ બાદ થયેલ રસ્તાના નુકશાનનું પેચવર્ક અને ઝાડી ઝાંખરા કટિંગ કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામા આવ્યું છે. આવા રસ્તા પર વાહનો ચલાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ કરાતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં સરળતા જોવા મળી રહે એ હેતુથી ઝડપથી ડામર પેચ કામગારી કરાઈ રહી છે. ગ્રામીણ વિસ્તારો હોય કે શહેરી માર્ગો હોય, ભારે વરસાદ બાદ રસ્તાઓના ધોવાણથી કે ક્ષતિ થવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે તૂટેલા રસ્તાઓનુ સમારકામ ડામર પેચવર્કથી અને ઝાડી ઝાંખરા કટિંગ સહિતની કામગીરી શરૂ કરાઇ છે.
દિલીપ ગામિત -ઝરણપાડા ગામના નિવાસી જણાવે છે કે, ચોમાસાના ભારે વરસાદમાં અમારે ત્યાંના રસ્તાને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવી પડી રહ્યો હતો, પરંતુ આ રસ્તાઓ ઉપર ડામર પેચ લગાવી દેવાતાં લોકોને રાહત મળી છે. વરસાદમાં રસ્તાની બાજુબાજુમાં ઊગી નીકળે ઝાડી ઝાંખરનું કટિંગ પણ કરી દેવામાં આવ્યું છે તેથી રસ્તા પરથી પસાર થવામાં લોકોને અકસ્માતનો ભય રહ્યો નથી.
ઉચ્છલ પેટા વિભાગની ટીમ દ્વારા અગાઉથી જ આયોજન કરી લેવાયું હતું અને દરેક રસ્તાઓ પર કામગીરીને ધ્યાનમાં લઈ અલગ અલગ ટુકડી બનાવી એક સાથે જ અલગ અલગ રસ્તાઓ પર કામગીરી શરૂ કરી દેવાઈ છે. વિભાગ હસ્તકના કુલ રસ્તાઓ પૈકી ૧૮ રસ્તા પર જંગલ કટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તથા આજ રોજ કુલ ૫ રસ્તા પર શરૂ કરવામા આવી છે તેમજ ૧૦ રસ્તાઓ પર ડામર પેચની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તથા આજ રોજ ૫ રસ્તા પર કામગીરી શરૂ કરાઈ છે, આવનારા દિવસોમાં આ બધી જ કામગીરી પૂર્ણ કરવામાં આવશે એવી આશા પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ-ઉચ્છલની ટીમે વ્યકત કરી છે સાથે જ વરસાદ બંધ થયેથી મંજુર થયેલા રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
