સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ વ્યારા ખાતે ડો. હિતાર્થ મહેતાનું વ્યાખ્યાન યોજાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે ડો. હિતાર્થ મહેતા (હોમ.), પીએચ.ડી. (હોમ.) એ “Silent Winds to Serene Skies: Homoeopathic Insights in Restoring the Symphony of Respiratory Affections” વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. આ સેમિનારમાં ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓ, શિક્ષકમંડળ તથા એચ.એમ.એ.આઈ. વ્યારા યુનિટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ચોથા વર્ષના વિદ્યાર્થિની કુમારી જિલ ત્રિવેદીએ કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં વક્તાને બુકે આપીને આવકારવામાં આવ્યા હતા, જેમાં કોલેજ તરફથી ડો. જ્યોતિ રાવ, એચ.એમ.એ.આઈ. વ્યારા યુનિટ તરફથી ડો. ભૂમિકા ચૌધરી (ખજાનચી), તથા સેમિનાર કમિટી તરફથી ડો. વૈશાલી ચૌધરીએ સન્માન આપ્યું હતું. બાદમાં પ્રિન્સિપાલ ડો. જ્યોતિ રાવ દ્વારા વક્તાનું પરિચય આપવામાં આવ્યું હતું.
ડો. હિતાર્થ મહેતાએ પોતાના વ્યાખ્યાનમાં હોમિયોપેથીના મૂળભૂત સિદ્ધાંતો, રેસ્પિરેટરી અફેક્શનના કેસમાં હિસ્ટ્રી ટેકિંગ અને લક્ષણવિજ્ઞાનનું મહત્વ તથા શ્વસન તંત્રના રોગોમાં હોમિયોપેથીક અભિગમ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું, જેને વિદ્યાર્થીઓએ ખુબ પ્રશંસા કરી. સેમિનાર દરમિયાન થયેલા પ્રશ્નોત્તરી સત્રે શૈક્ષણિક વાતાવરણને વધુ સમૃદ્ધ બનાવ્યું હતું.
વક્તાને કોલેજ તરફથી ૨૫મી વર્ષગાંઠની ટ્રોફી, સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર વડે ડો. જ્યોતિ રાવ દ્વારા તથા એચ.એમ.એ.આઈ. વ્યારા યુનિટ તરફથી ડો. તુષાર ધીમ્મર દ્વારા સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો સમાપન ડો. શ્રદ્ધા ઢોળીયા દ્વારા આભારવિધી સાથે કરવામાં આવ્યો હતો અને અંતે રાષ્ટ્રગાન સાથે સેમિનાર પૂર્ણ થયો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
