બેરોજગાર પતિ માનસિક ત્રાસ આપતો હોઇ પત્નીએ અભયમની મદદ માંગી

Contact News Publisher

બારડોલી અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી પતિ- પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું

(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : ગુજરાત સરકાર મહિલાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે તેનું જ્વલંત ઉદાહરણ સૂરત જિલ્લા ખાતે આવેલ બારડોલી 181 અભયમ ટીમે પૂરું પાડ્યું છે. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડીત મહિલા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિ નોકરી કરતા નથી અને ખોટી શંકા કરી વારંવાર ઝઘડા કરે છે. તેમજ કેફી દ્રવ્યોનું સેવન કરી ઘરે આવે છે અને ખુબ જ માનસિક ત્રાસ આપે છે. તેથી 181 ની મદદની જરૂર છે.

જેના પગલે 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુ, એ. એસ.આઇ ચૌધરી વનિતાબેન તેમજ પાઇલોટ પટેલ ધર્મેશભાઈ તાત્કાલિક બારડોલીથી નીકળી ઘટના સ્થળ પર પીડિતા મહિલાની મદદ માટે દોડી ગયા હતા. પીડિતા મહિલાના કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે પીડિતા મહિલા એ તેમના પરિવાર વિરૂદ્ધ જઈને પ્રેમલગ્ન કરેલ છે. સંતાનમાં 2 બાળકો છે. પીડિતા મહિલાના પતિ છેલ્લા 3 વર્ષથી અવાર-નવાર નાની નાની બાબતોને લઈ ઝઘડો કરીને તેમને હેરાન કરે છે. પીડિતા મહીલાના લગ્ન થયા હતા ત્યારે તેમના પતિ નોકરી કરતા હતા પરંતુ હવે નોકરી પર જતા નથી. પીડિતા મહીલાના દાદા સસરા નિવૃત શિક્ષક છે તેવોનું પેન્શન આવે છે એ પૈસામાંથી પીડિતા મહીલા તેમનું ગુજરાન ચલાવે છે. પીડિતા મહીલાના પતિ તેમના દાદા સસરાને ધમકીઓ આપી ને તેમની પાસેથી પણ પૈસા લઈ લેતા હતા અને એ પૈસા પણ વ્યસન કરવામાં વેડફી નાખે છે. અને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતા નથી તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુ પૂરું પાડતા નથી અને પીડિત મહિલા પોતે બહાર જઈને કામ કરવાનું કહે તો તેમને ઘરની બહાર જવાની ના પાડે છે. પીડિતાને તેમની અને તેમના બાળકોની નાની નાની જરૂરિયાત માટે તેમના દાદા સસરા પાસે થી પૈસા માંગવા પડતા હતા. પીડિતા મહિલાના પતિ અવાર-નવાર કેફી દ્રવ્યોનુ સેવન કરીને ઘરે આવી ખૂબ જ અપશબ્દો બોલતા હતા. તેથી તેમના પતિ ને સમજાવવા 181 ની મદદ લીધેલ છે.

181 ટીમે પીડિતાના પતિને સમજાવેલ કે તમારી ખોટી શંકાઓ ના કારણે તમારા લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓ આવી રહી છે અને તમે આવું વર્તન કરીને તમારી પત્નીને ખૂબ જ માનસિક ત્રાસ આપી રહ્યા છો. વ્યસન કરવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આવી રીતે વ્યસન કરવું જોઈએ નહીં. તેમજ કડક શબ્દોમાં કાયદાનું ભાન કરાવેલ. ત્યારબાદ કાઉન્સેલિંગ દરમ્યાન પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને ઝીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કર્યા બાદ બાળકના ભવિષ્યના મુદ્દાને નજર સમક્ષ રાખી પીડિતાના પતિ અને બંને પરિવારના સભ્યોની સાથે રાખી લગ્ન જીવન ના તુટે તેવી કાયદાકીય સલાહ, સૂચન, માર્ગદર્શન આપેલ. જેથી પીડિતાના પતિએ તેની ભૂલ સ્વીકાર કરી માફી માગેલ અને હવે પછી તેની પત્નીને હેરાન નહી કરે તેમજ પત્ની અને બાળકોની તમામ જવાબદારીઓ પૂરી કરશે તેવું જણાવેલ અને બંને પતિ-પત્ની વચ્ચે મતભેદો દુર કરી મહિલાનાં સાંસારિક જીવનમાં આવેલ સમસ્યાનું નિરાકરણ કરેલ..

આમ પારિવારિક સમસ્યાનું સુખદ સમાધાન થતા બંન્ને પક્ષ દ્વારા 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *