તાપી ‘ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન” મોનીટરીંગ અને ગવર્નીંગ કાઉન્સીલની બેઠક વ્યારા ખાતે યોજાઈ

Contact News Publisher

વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ માટે રૂપિયા ૯ કરોડના બેલેન્સથી માળખાગત સુવિધાઓ વાળા વિકાસ કામો સાથે અંતરિયાળ વિસ્તારોના સમાંતર વિકાસ પર ભાર મુકતા કલેક્ટર ડો. વિપિન ગર્ગ

પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અન્વયે વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪ સુધીમાં મંજૂર થયેલ કામો અંગે સમીક્ષા

સાંસદ-ધારાસભ્યો દ્વારા આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને માળખાગત સુવિધાઓ માટે સૂચનો કરાયા

(પ્રતિનિધિ દ્વારા. વ્યારા) : તા.૧૪.  તાપી જિલ્લા ‘ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન” મોનીટરીંગ અને ગવર્નીંગ કાઉન્સીલની બેઠક વ્યારા ખાતે તા.૧૨/૦૯/૨૦૨૫ના રોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રીઓ ડો.જયરામભાઈ ગામીત,મોહનભાઈ ઢોડિયા,મોહનભાઈ કોંકણી સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક અંતર્ગત પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના (PMKKY) અન્વયે વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં મંજૂર થયેલ કામો અંગે સમીક્ષા કરાઈ હતી. તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ માટે મળેલ વિવિધ દરખાસ્તોની મંજૂરી બાબતે સર્વગ્રાહી ચર્ચા હાથ ધરાઈ હતી.

જિલ્લા સમાહર્તા ડો.વિપિન ગર્ગે આ બેઠકમાં જણાવ્યું હતું કે ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ ના આયોજન માટે હાલમાં તા.૩૧/૮/૨૦૨૫ સુધીનું અંદાજીત ₹ ૯ કરોડ બેલેન્સ છે. જેમાં તાપી જિલ્લામાં માળખાગત સુવિધાઓની જરૂરિયાત વાળા વિકાસના કામોની દરખાસ્ત થાય તે જરૂરી છે. સાથે સાથે અંતરિયાળ વિસ્તારમાં પણ સમાંતર વિકાસ થાય તેવો પ્રયાસ કરવો જોઈએ. અને દરેક કામોની શરૂઆત અંગે સાંસદ, ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીઓને જાણ કરવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.

સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ ઉકાઈ જળાશય વિસ્તારના વિસ્થાપિતો તેમજ માછીમારી ઉપર નભતા લોકો માટે બોટ ફીશીંગ કીટ,સી-ફુડ રેસ્ટોરન્ટ, મોબાઈલ ઓન વ્હીલ જેવી સુવિધાઓ આપવા તેમજ દરેક તાલુકાઓમાં લાયબ્રેરી, આદિવાસી વિદ્યાર્થીઓ માટે સાયન્સ સેન્ટર બનાવવા સૂચન કર્યું હતું.

ધારાસભ્યશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે કુકરમુંડા,નિઝર અને સોનગઢ ખાતે ખનીજ અસરગ્રસ્ત વિસ્તારમાં એમ્બ્યુલન્સ સેવા, સૌર ઉર્જા સંચાલિત બોર મોટર મીની જલધારાની દરખાસ્ત રજુ કરી હતી.તેમજ દરેક તાલુકાઓમાં ગ્રામપંચાયતોમાં સ્ટ્રીટ લાઈટ માટે ખર્ચ ન થતો હોઈ અમલીકરણ અધિકારી પાસે કારણ માંગ્યુ હતું. ત્યારે પોર્ટલ ઉપર કાર્યવાહી પેન્ડીંગ હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

મોહનભાઈ ઢોડિયાએ કુંભીયા ગામે લાયબ્રેરી અને અંધાત્રી ગામે સાંસ્કૃતિક ભવન ઈન્ફ્રાસ્ટ્રકચર માટે દરખાસ્ત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે ₹ ૫ લાખની ખર્ચ મર્યાદામાં સરકારે ગાઈડ આપેલી જ છે. તેમજ બીજી કોઈ યોજનામાં કામો લેવાયા હોય તો કામોનું ડુપ્લીકેશન ન થવું જોઈએ.

મોહનભાઈ કોંકણીએ તાપી જિલ્લામાં કાળા વ્યારા અને ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ સુવિધા અને જેસીંગપુરા,પદમડુંગરી ગામે લાયબ્રેરીના કામની દરખાસ્ત કરી હતી.

આદિજાતિ મંત્રીશ્રીના પ્રતિનિધિએ ખનીજ અસરગ્રસ્ત વિસ્તાર ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ATM સુવિધા , સોલાર ટેકનીશીયન ને તાલીમ જેવી દરખાસ્ત રજુ કરી હતી.

આ બેઠકમાં પ્રયોજના વહીવટદારશ્રી જયકુમાર રાઠોડ,જિલ્લા આયોજન અધિકારી સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *